10,01,35,60,00… 36 આંકડાની રકમ એક મૃત મહિલાના ખાતામાં જમા થઈ અને પછી…

ગ્રેટર નોઈડા: ઘણીવાર કેટલાક લોકોના ખાતામાં મોટી રકમ જમા થઈ જતી હોય છે. જેનાથી વ્યક્તિ ખુશ તો થઈ જાય છે, પરંતુ સાથોસાથ મૂંઝવણમાં પણ મૂકાઈ જાય છે. તાજેતરમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. પરંતુ આ ઘટના થોડી વિચિત્ર છે. કારણ કે એક મૃત મહિલાના ખાતામાં 36 આંકડાની મોટી રકમ જમા થઈ છે.
ગાયત્રી દેવીનું એકાઉન્ટ ફ્રીઝ, તપાસ શરૂ
ગ્રેટર નોઈડામાં રહેલા ગાયત્રી દેવીનું બે મહિના પહેલા જ નિધન થયું હતું. 3 ઓગસ્ટ, 2025ને રવિવારના રોજ ગાયત્રી દેવીના દીકરા દીપકને એક મેસેજ મળ્યો હતો. જેમાં ગાયત્રી દેવીના કોટક બેંકના એકાઉન્ટમાં રૂપિયા જમા થયા હતા. બેંક એકાઉન્ટમાં જમા થયેલી રકમ જોઈને દીપક ચોંકી ઊઠ્યો હતો. કારણ કે આ કોઈ નાની રકમ ન હતી. તેની માતાના ખાતામાં 10,01,35,60,00,00,00,00,00,01,00,23,56,00,00,00,00,299 જેવી 36 આંકડાની રકમ જમા થઈ હતી.
આ પણ વાંચો: આ લોકોને સરકારે આપી ખુશખબર, ખાતામાં જમા કરશે રૂ. 50,000
દીપકે બીજા દિવસે બેંકમાં જઈને માતાના ખાતમાં જમા થયેલી રકમ અંગે તપાસ કરી હતી. બેંકના અધિકારીઓએ જમા થયેલી રકમની પુષ્ટી કરી અને દીપકને કહ્યું કે તેમની માતાનું બેંક એકાઉન્ટ તરત ફ્રીજ કરી દેવામાં આવ્યું છે અને ઇન્કમ ટેક્સ વિભાગને જાણ કરી દેવામાં આવી છે. મૃત વ્યક્તિના ખાતામાં આટલી મોટી રકમ ક્યાંથી આવી તે જાણવાનો ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ પ્રયાસ કરી રહ્યા છે. બેંકિંગમાં ખામી, ટેક્નિકલ ખામી અથવા મની લોન્ડ્રિંગના કારણે પણ રકમ જમા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, તપાસ પૂરી થયા બાદ જ રૂપિયાના સાચા સ્રોતની જાણકારી પ્રાપ્ત થશે.
દરેક દેશવાસીને કરોડપતિ બનાવી શકે એટલી રકમ
માતાના ખાતામાં મોટી રકમ જમા થવાને કારણે દીપક પર સગાસંબંધીઓના કોલ આવવાના શરૂ થઈ ગયા છે. એકદમ રૂપિયા ક્યાંથી આવ્યા તેવું લોકો પૂછી રહ્યા છે. જેનાથી પરેશાન થઈને દીપકે પોતાનો ફોન બંધ કરી દીધો છે. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર તેને ‘તરત અરબપતિ’ બની ગયો એવું કહીને મશ્કરી પણ કરી રહ્યા છે.
એક યુઝરે તેની માતાના ખાતામાં જમા થયેલી રકમનો દેશની કુલ વસ્તી સાથે ભાગાકાર કર્યો છે. આ ગણતરી પ્રમાણે પ્રત્યેક દેશવાસીના ભાગમાં 81 કરોડ 11 લાખ રૂપિયા આવી શકે છે.