દિલ્હીમાં ગૂમ થયેલી ત્રિપુરાની વિદ્યાર્થિનીની લાશ યમુના નદીમાંથી મળી; આત્મહત્યાની આશંકા, તપાસ શરૂ

નવી દિલ્હી: દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી મૂળ ત્રિપુરાની 19 વર્ષીય સ્નેહા દેબનાથ નામની વિદ્યાર્થિની 7 જુલાઈના રોજ ભેદી સંજોગોમાં ગુમ (Sneha Debnath Missing) થઇ ગઈ હતી. ગુમ થયાના છ દિવસ બાદ સ્નેહાનો મૃતદેહ યમુના નદીમાંથી મળી આવ્યો છે. દિલ્હી પોલીસના અધિકારી એ જણાવ્યું હતું કે પરિવારે મૃતદેહ સ્નેહાનો હોવાની પુષ્ટિ કરી છે. મૃતદેહને ઓટોપ્સી માટે મોકલવામાં આવ્યો છે.
સ્નેહા છેલ્લે 7 જુલાઈના રોજ દેખાઈ હતી, એ ટેક્સી લઇને ઉત્તર દિલ્હીના સિગ્નેચર બ્રિજ પર જવા માટે નીકળી હતી, ત્યાર બાદ તેના કોઈ ખબર અંતર મળ્યા ન હતાં. સ્નેહા ભેદી સંજોગોમાં ગુમ થઇ હતાં પરિવારજનો અને મિત્રો ચિંતામાં ગરકાવ થઇ ગયા હતાં, દિલ્હી સાથે ત્રિપુરામાં પણ સ્નેહાની શોધ કરવામાં આવી રહી હતી.
10 કિમી દૂર લાશ મળી:
ટેકનિકલ સર્વેલન્સ પોલીસને સ્નેહાનું છેલ્લું લોકેશન સિગ્નેચર બ્રિજ પર મળ્યું હતું. સ્નેહા ગુમ થયા બાદ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને પોલીસ યુનિટ્સ મદદથી સર્ચ ઓપરેશન ચલવવામાં આવ્યું હતું. ગઈ કાલે સ્નેહાનો મૃતદેહ ઉત્તર દિલ્હીની ગીતા કોલોની પાસે આવેલા ફ્લાયઓવર પાસે યમુના નદીમાં મળી આવ્યો હતો, જે સિગ્નેચર બ્રિજથી લગભગ 10 કિમી દૂર છે.
છેલ્લી નોટમાં મળ્યા સંકેતો:
સ્નેહા દિલ્હી યુનિવર્સિટીના આત્મા રામ સનાતન ધર્મ કોલેજમાં અભ્યાસ કરતી હતી, સોમવારે સવારે પરિવાર સાથે વાત કર્યા પછી તેનો ફોન બંધ આવતો હતો.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ સ્નેહાએ એક હાથથી લખેલી નોટ છોડી છે, જેમાં એવા સંકેતો મળ્યા હતાં તે આત્મહત્યા કરવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ પારિવારિક કારણોસર તે તણાવમાં હતી, જેના કારણે તેણે આ પગલું ભર્યું હોઈ શકે છે.
પોલીસના જણાવ્યા મુજબ બ્રિજ પરથી પસાર થયેલા કેટલાક લોકોએ જણાવ્યું છે કે તેમણે એક છોકરીને પુલ પર ઉભેલી જોઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે સ્નેહાએ 7 જુલાઈની વહેલી સવારે તેના નજીકના મિત્રોને ઈમેલ અને મેસ્જ મોકલ્યા હતા. મિત્રોના જણાવ્યા મુજબ તે છેલ્લા કેટલાક મહિનાઓથી પરેશાન અને તણાવમાં હતી.
(નોંધઃ આત્મહત્યાએ કોઈ સમસ્યાનું સમાધાન નથી. તમે માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોની સલાહ લઈ શકો છો. મદદ માટે કોલ કરો
ગુજરાત સરકાર ટોલ ફ્રી નંબરઃ 1860 266 2345 and 0261 6554050
વાંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com
TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી – સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ)
આ પણ વાંચો….એક સદી જૂનો ધંધો હતો તો પછી ‘કચોરી કિંગ’ જયંત વ્યાસે કેમ કરી આત્મહત્યા?