અગિયારમો દિવસઃ તેલંગણા ટનલ દુર્ઘટનામાં બચાવ અભિયાન યથાવત: આઠ લોકો ફસાયેલા

નાગરકર્નૂલ (તેલંગણા): શ્રીશૈલમ લેફ્ટ બેન્ક કેનાલ (એસએલબીસી) પ્રોજેક્ટની આંશિક રીતે તૂટી ગયેલી ટનલની અંદર બચાવ કામગીરી મંગળવારે અકસ્માતના 11મા દિવસે પણ ઝડપી ગતિએ યથાવત રહી હતી. અધિકારીઓને વિશ્વાસ છે કે ક્ષતિગ્રસ્ત ‘કન્વેયર બેલ્ટ’ આજે કાર્યરત થઈ જશે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે સુરંગ દુર્ઘટના બાદ અંદર ફસાયેલા આઠ લોકોને શોધવાના પ્રયાસોમાં અત્યાર સુધીમાં કોઇ સફળતા મળી નથી અને બચાવકર્મીઓ દરરોજ ત્રણ શિફ્ટમાં કામ કરી રહ્યા છે.
આપણ વાંચો: તેલંગાણામાં ટનલની છત તૂટી પડતાં છ શ્રમિકો ફસાયા; તંત્ર દોડતું થયું
તેમણે કહ્યું હતું કે કાટમાળ હટાવવા અને પાણી કાઢવાની પ્રક્રિયા ચાલુ છે. તેમણે કહ્યું કે એવી અપેક્ષા છે કે અકસ્માત પછી ક્ષતિગ્રસ્ત થયેલ ‘કન્વેયર બેલ્ટ’ આજથી કાર્યરત થઈ જશે. આ બેલ્ટ ટનલમાંથી કાદવ અને અન્ય કાટમાળ સરળતાથી બહાર કાઢવામાં ઉપયોગી થશે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર બચાવકર્મીઓને કોઈપણ જોખમથી બચાવવા માટે બચાવ કામગીરીમાં રોબોટ્સ તૈનાત કરવાના વિકલ્પ પર વિચાર કરી રહી છે. ટનલની અંદર મોટા પ્રમાણમાં કાદવ અને પાણી હોવાને કારણે બચાવ કામગીરીમાં સામેલ ટીમો માટે પડકાર ઉભો થયો.
આપણ વાંચો: ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઈવ ટનલ સહિતના ઈન્ફ્રા પ્રોજેક્ટસ માટે એમએમઆરડીએ 7,326 કરોડ રૂપિયાની લોન લીધી
એસએલબીસી પ્રોજેક્ટ ટનલમાં 22 ફેબ્રુઆરીથી આઠ લોકો ફસાયા છે જેમાં એન્જિનિયરો અને મજૂરો સામેલ છે. એનડીઆરએફ, ભારતીય સેના, નૌકાદળ અને અન્ય એજન્સીઓના નિષ્ણાતો તેમને સુરક્ષિત રીતે બચાવવા માટે અથાક મહેનત કરી રહ્યા છે.
નાગરકર્નૂલના પોલીસ અધિક્ષક વૈભવ ગાયકવાડે જણાવ્યું હતું કે રેસ્ક્યૂ ઓપરેશનમાં રોબોટને સામેલ કરવાની સંભાવનાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે કારણ કે બચાવકર્મીઓની સુરક્ષા મહત્વપૂર્ણ છે.
રવિવારે મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ ટનલ સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે ટનલની અંદર ફસાયેલા આઠ લોકોનું ચોક્કસ સ્થાન હજુ સુધી જાણી શકાયું નથી અને તેમની સરકાર બચાવ અભિયાનને ઝડપી બનાવવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહી છે.