સ્વીડન સામેના મુકાબલા પહેલાં જ ડેવિસ કપની ટીમના કોચ ઝીશાન અલીએ કેમ રાજીનામું આપ્યું?

નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી અને ભૂતપૂર્વ નૉન-પ્લેઇંગ કૅપ્ટન ઝીશાન અલીએ ભારતીય ટીમના કોચના હોદ્દેથી રાજીનામું આપી દીધું છે. આગામી 14-15 સપ્ટેમ્બરે સ્ટૉકહૉમમાં ભારતનો ડેવિસ કપમાં સ્વીડન સાથે મુકાબલો થશે અને એના એક મહિના પહેલાં જ ઝીશાને રાજીનામું આપ્યું છે. શું કોચ તરીકે પૈસા નહોતા મળતા એ કારણસર તેણે આ હોદ્દો છોડ્યો છે એની ચર્ચા થઈ રહી છે.
ઝીશાને પીટીઆઇને કહ્યું હતું કે ‘મેં બે દિવસ પહેલાં રાજીનામું આપ્યું હતું અને હું હવે નૅશનલ ટેનિસ સેન્ટર (એનટીસી)ના વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરવા માગું છું.
54 વર્ષના ઝીશાનના સુકાનમાં ભારતે પાકિસ્તાન સામેનો ઐતિહાસિક ડેવિસ કપ મુકાબલો જીતી લીધો હતો.
ઝીશાને કહ્યું, ‘હું નવ વર્ષ સુધી ડેવિસ કપ રમ્યો. હું ભારતીય ટીમનો નૉન-પ્લેઇંગ કૅપ્ટન પણ રહી ચૂક્યો છું. ત્યાર બાદ 11 વર્ષ સુધી મેં ભારતીય ટીમને કોચિંગ આપ્યું. મેં ઉતાવળે નિર્ણય નથી લીધો. મેં ઘણા વર્ષો ભારતીય ટેનિસ ટીમને કોચિંગ આપ્યું છે. ક્યારેક તો મને મહેનતાણું પણ મળ્યું નહોતું. જોકે મેં ક્યારેય ટીમ સાથે પૈસા માટે કામ નથી કર્યું. ભારતનું પ્રતિનિધિત્વ કરવા મળે એ જ મારા માટે સૌથી મોટી વાત કહેવાય. હું ડેવિસ કપ સંબંધમાં ટીમને ગમે ત્યારે મદદ કરવાની તૈયારી બતાવીશ.’
આ પણ વાંચો :ગોલકીપર શ્રીજેશ ફ્લૅશબૅકમાં…પત્ની પ્રત્યેના નફરત અને રોમૅન્સના દિવસોની વાતો કરી
ઑલ ઇન્ડિયા ડેનિસ અસોસિયેશનના સેક્રેટરી જનરલ અનિલ ધુપારે પીટીઆઇને જણાવ્યું હતું, ‘ઝીશાનને એનટીસીના ડિરેકટર તરીકે અમે પૂરતા પૈસા આપતા હતા એટલે તેને વધારાનું પેમેન્ટ નહોતા કરતા.’
ઝીશાન અલી કોચ તરીકે ભારતના ડેવિસ કૅપ્ટનો એસપી મિશ્રા, મહેશ ભૂપતિ, આનંદ અમૃતરાજ અને વર્તમાન સુકાની રોહિત રાજપાલ સાથે કામ કરી ચૂક્યો છે.