ઓડિશામાં સગીરાને જીવતી સળગાવાઈ: AIIMS દિલ્હીમાં વધુ સારવાર માટે એરલિફ્ટ કરાશે

ભુવનેશ્વર: ઓડિસામાં યુવતીઓ પર અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે. આઠ દિવસ પહેલા જ એક યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિનીએ પ્રોફેસરની જાતિય સતામણીથી કંટાળીને આત્મદાહ કર્યો હતો. ત્યારે હવે એક યુવતીને સળગાવી દેવાની ઘટના ઘટી છે. હાલમાં પીડિત યુવતીને AIIMS દિલ્હી ખાતે લઈ જવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
ત્રણ નરાધમોએ યુવતીને સળગાવી
19 જુલાઈને શનિવારના રોજ પુરી જિલ્લાના બયાબર ગામ ખાતે સવારે નવ વાગ્યાની આસપાસ એક સગીર યુવતી પોતાની બહેનપણીના ઘરેથી પાછી ફરી રહી હતી. આ સમયે મોટરસાઇકલ પર આવેલા ત્રણ નરાધમોએ તેને ઊભી રાખી હતી. નરાધમો તેને બળજબરીપૂર્વક ભાર્ગવી નદીના કિનારે લઈ ગયા હતા અને તેના પર પેટ્રોલ છાંટીને આગ લગાવી હતી.
સળગતી યુવતીને જોઈને ગ્રામજનોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ગામના લોકોએ તેને સરકારી હોસ્પિટલ ખસેડી હતી. સરકારી હોસ્પિટલ ખાતેથી તેને AIIMS ભુવનેશ્વર ખાતે રેફર કરવામાં આવી હતી.
આપણ વાંચો: આત્મદાહ કરનાર ઓડિશાની વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મૃત્યુ, રાજ્યભરમાં આક્રોશ
ભૂવનેશ્વરથી પીડિતાને એરલિફ્ટ કરાશે
રાજ્યના મુખ્ય પ્રધાને પણ આ ઘટનાની નોંધ લીધી હતી. ઓડિસાના મુખ્ય પ્રધાન મોહન ચરણ માંજીએ જણાવ્યું હતું કે, “પીડિતાની વધુ સારી સારવાર માટે રાજ્ય સરકાર તેને દિલ્હી લઈ જવાની યોજના બનાવી રહી છે.
જે અંગે AIIMS ભુવનેશ્વરના અધિકારીઓ નિર્ણય લેશે. AIIMS ભુવનેશ્વરના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આશુતોષ વિશ્વાસે જણાવ્યું કે પીડિતાને હાલત સ્થિર છે. આવી પરિસ્થિતિમાં તેને અઢી કલાકની અંદપ વિમાન દ્વારા દિલ્હી લઈ જઈશું. AIIMS દિલ્હીને પણ તેની જાણ કરી દેવામાં આવી છે.
આપણ વાંચો: ઓડિશામાં જાતીય સતામણીથી કંટાળી વિદ્યાર્થિનીનો આત્મદાહ પ્રયાસ, રાજકારણ ગરમાયું
પીડિતાની હાલતમાં આવ્યો સુધાર
AIIMS ભુવનેશ્વરના ‘બર્ન સેન્ટર’ વિભાગના પ્રમુખ સંજય ગિરિએ મીડિયાને જણાવ્યું હતું કે સગીર યુવતી 70 ટકા સુધી બળી ગઈ છે. પરંતુ તેની હાલત સ્થિર છે. યુવતીને આઈસીયુમાં કુત્રિમ રીતે ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. તેને હાલતમાં સુધાર આવી રહ્યો છે. તેને પ્રવાહી ખોરાક અપાઈ રહ્યો છે. 12 ડૉક્ટર અને બે નર્સિંગ અધિકારીઓની એક ટીમ તેની સંભાળ રાખી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સગીર યુવતીને સળગાવીને ત્રણ નરાધમો ફરાર થઈ ગયા હતા. સગીર યુવતીની માતાએ તેની બલંગા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ત્રણેય ગુનેગારની શોધખોળ કરી રહી છે.