Top Newsનેશનલ

દક્ષિણ ભારત પર સંભવિત વાવાઝોડાનું સંકટ, જાણો ગુજરાત પર શું થશે અસર…

બંગાળની ખાડી અને મલાક્કામાં સર્જાયેલું લો પ્રેશર હવે ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે, જેના કારણે ‘સેન્યાર’ નામના ચક્રવાતનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, આ હવામાન પ્રણાલીની અસર આજથી જ અનુભવાવા લાગશે, ખાસ કરીને દક્ષિણ ભારતના દરિયાકાંઠાના રાજ્યોમાં.

આ ચક્રવાતની સીધી અસર ન હોવા છતા પણ ઉત્તર ભારતમાં વાવાઝોડાના કારણે ઠંડીનું પ્રમાણ વધાવની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશના પશ્ચિમ ભાગોમાં આગામી ચાર દિવસ દરમિયાન તાપમાનમાં સતત ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે, જેને પગલે ગાઢ ધુમ્મસની ચેતવણી પણ જાહેર કરાઈ છે.

હવામાન વિભાગે ‘સેન્યાર’ વાવાઝોડાને લઈને ચેતવણી જારી કરી છે. દક્ષિણ આંદામાન સમુદ્ર પર વિકસિત થયેલું નીચા દબાણનું ક્ષેત્ર આજે ડિપ્રેશનમાં બદલાઈ જશે, જે ચક્રવાત બનવાની દિશામાં એક પગલું છે. 24 નવેમ્બર સુધીમાં આ ડિપ્રેશન વધુ તીવ્ર બનવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને, તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા હોવાથી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે.

હવામાન વિભાગના દૈનિક રિપોર્ટમાં દક્ષિણ ભારતના રાજ્યોમાં તીવ્ર હવામાનની ચેતવણી આપવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી આ સિસ્ટમને કારણે, આંદામાન અને નિકોબાર ટાપુઓ પર 28 નવેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી છે. આ ઉપરાંત, કેરળ અને તમિલનાડુમાં 26 નવેમ્બર સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. પોંડિચેરી અને તેની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સ્થાનિકો અને પ્રવાસીઓને સાવચેતી રાખવા અને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.

ચક્રવાત ‘સેન્યાર’ની અસર દક્ષિણ ભારત પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર દેશના હવામાન પર પરોક્ષ પ્રભાવ જોવા મળશે. રાજધાની દિલ્હીમાં સવારે સરેરાશ 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું અને આગામી દિવસોમાં અહીં ઠંડીનું મોજું વધશે. બિહારમાં પણ તીવ્ર ઠંડીની ચેતવણી જારી કરવામાં આવી છે, જ્યાં પટનામાં આજે તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે.

રાજસ્થાનના શેખાવતી ક્ષેત્રમાં ઠંડીનું મોજું તીવ્ર બન્યું છે. પર્વતીય વિસ્તારોમાં, હિમાચલ પ્રદેશમાં નવી હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે, જેના પગલે સ્થાનિકો અને પ્રવાસીઓને સાવચેત રહેવા જણાવાયું છે. આ ઉપરાંત જમ્મુ-કશ્મીરમાં પણ તાપમાનનો પારો શૂન્ય ડિગ્રી પર પહોંચ્યો છે.

ગુજરાતનું હવામાન

વાવાઝોડા ‘સેન્યાર’ની ગુજરાત પર થનારી અસર અંગે હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે. હાલની આગાહી મુજબ, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે. ગુજરાતમાં હાલ ઉત્તરપૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. રાજ્યમાં હાલ વરસાદની કોઈ શક્યતા દર્શાવવામાં આવી નથી. આમ, જ્યારે દક્ષિણ ભારતના રાજ્યો વરસાદ માટે હાઇ એલર્ટ પર છે, ત્યારે ગુજરાતમાં હાલ પૂરતું શિયાળુ હવામાન સામાન્ય અને સૂકું જળવાઈ રહેશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button