‘મોન્થા’ વાવાઝોડાનો ખતરો: IMDએ આપ્યું રેડ એલર્ટ, સેના અને NDRF હાઈ એલર્ટ પર

બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશર વિસ્તારને કારણે ચક્રવાતી વાવાઝોડું ‘મોન્થા’ પૂર્વ કિનારા તરફ વધી રહ્યું છે, જે આંધ્રપ્રદેશ, ઓડિશા અને તમિલનાડુમાં ભારે વરસાદ અને પવનનું કારણ બની રહ્યું છે. આ વાવાઝોડું 28 ઓક્ટોબરે કાકીનાડા નજીક લેન્ડ ફોલ કરશે છે, જેના કારણે ત્રણેય રાજ્યોમાં ભારે વરસાદ અને 90-100 કિમી પ્રતિ કલાકની ઝડપવાળા પવનની ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ (IMD)એ ઓડિશાના દક્ષિણ અને કિનારાના જિલ્લાઓ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યાં કેટલાક વિસ્તારોમાં 20 સે.મી.થી વધુ વરસાદ પડી શકે છે. ઓડિશા સરકારે તમામ 30 જિલ્લાઓને સતર્ક કર્યા છે અને મહેસૂલ મંત્રી સુરેશ પૂજારીએ જણાવ્યું કે બચાવ અને રાહત માટે કર્મચારીઓ તથા મશીનરી તૈયાર છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
આપણ વાચો: ‘શક્તિ’ વાવાઝોડું: મુંબઈ, થાણેમાં છૂટોછવાયો વરસાદ રહેશે પાલઘરમાં આઠ ઑક્ટોબરના ભારે વરસાદ પડી શકે છે…
ભારે વરસાદ અને પવનને કારણે ઓડિશાના 15 કિનારાના જિલ્લાઓને અસર થવાની આગાહી વચ્ચે સાત જિલ્લાઓએ સરકારી કર્મચારીઓની રજા રદ કરી દીધી છે. આંધ્રપ્રદેશમાં 23 જિલ્લાઓ માટે એલર્ટ જારી થયા છે અને મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ રાહત અને પુરવઠા માટે વિશેષ કાર્યયોજના તૈયાર કરી છે. તમિલનાડુમાં પણ ઓરેન્જ અને યલો એલર્ટ છે, જ્યાં ચેન્નઈ સહિતના વિસ્તારોમાં વધુ વરસાદ થવાની સંભાવના છે.
ઝડપથી વધતા મોન્થા વાવાઝોડાને કારણે ભારતીય સેના અને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA)ને હાઈ એલર્ટ પર મૂકવામાં આવી છે. આંધ્ર-ઓડિશા કિનારા પર 28 ઓક્ટોબરે લેન્ડફોલ થવાની સંભાવના વચ્ચે માછીમારોને સમુદ્રથી પાછા ફરવા અને કિનારાથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે. વાવાઝોડાની અસર 30 ઓક્ટોબર સુધી રહી શકે છે અને પશ્ચિમ બંગાળ સહિત અન્ય કિનારાના રાજ્યોમાં પણ વરસાદની આગાહી છે.



