હવે દિવાળી ડિસ્કાઉન્ટ ઓફરની રાહ ન જોશોઃ સરકારે કરેલા આ નિર્ણય બાદ ઓફર્સ થઈ જશે બંધ

નવી દિલ્હી: 22 સપ્ટેમ્બર, 2025થી GST કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવેલા GST સ્લેબની અમલવારી શરૂ થશે. ઉત્પાદક કંપનીઓ ગ્રાહકોને નવા GST સ્લેબનો લાભ આપવાના મુડમાં હોય એવું લાગી રહ્યું છે. જેથી રોજિંદા જીવનમાં વપરાતી અનેક વસ્તુઓનો સસ્તી થઈ જશે. જેમાં ખાસ કરીને કપડાં અને ફૂટવેરનો સમાવેશ થાય છે. પરંતુ તેનાથી દુકાનદારો ગ્રાહકોને એક લાભ નહીં આપી શકે. આ કયો લાભ છે? આવો જાણીએ.
ગ્રાહકોને નહીં મળે મોટા ડિસ્કાઉન્ટ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવા GST સ્લેબ લાગુ થયા બાદ 2,500 રૂપિયા સુધીની કિંમતના ઉત્પાદનો પરનો ટેક્સ ઘટશે, જેનો સીધો ફાયદો કંપનીઓ ગ્રાહકોને આપશે. જેથી કપડાં અને જૂતાની ખરીદી પર 50% કે 80% જેવા મોટા ડિસ્કાઉન્ટ ઓછાં જોવા મળશે.
કંપનીના અધિકારીઓના જણાવ્યાનુસાર, GSTનો દર 12% થી ઘટીને 5% થવાથી ઉત્પાદનો સસ્તા થશે. આનાથી વેચાણમાં વધારો થશે અને સ્ટોકમાં રહેલો માલ ઝડપથી વેચાશે. જેથી ગ્રાહકોને મોટા ડિસ્કાઉન્ટ આપવાની જરૂરિયાત ઓછી થશે. ડિપાર્ટમેન્ટલ રિટેલ ચેઇન લાઇફસ્ટાઇલ ઇન્ટરનેશનલના સીઈઓ દેવરંજન ઐયરે જણાવ્યું કે, “બ્રાન્ડ્સ ગ્રાહકોને 7% GSTનો લાભ આપશે. જોકે, આ સાથે ડિસ્કાઉન્ટ પણ ઘટાડવામાં આવશે. નવા દરો લાગુ થતાં તમામ ઉત્પાદનો પર નવી કિંમતો લાગુ કરવામાં આવશે, જેથી ગ્રાહકોને પૂરો ફાયદો મળે.”
શૂઝ બનાવતી કંપની વુડલેન્ડના એમડી હરકીરત સિંહે પણ આ વાતને સમર્થન આપતા જણાવ્યું કે, “જ્યારે ગ્રાહકોને GSTનો લાભ મળશે, ત્યારે માલની કિંમત ઘટશે. આનાથી વેચાણ વધશે અને ડિસ્કાઉન્ટ ઘટાડવું શક્ય બનશે.” ઉદ્યોગ સંસ્થા ક્લોથિંગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (CMAI)ના રાહુલ મહેતાએ પણ જણાવ્યું કે, “1,000 રૂપિયાથી 2,500 રૂપિયાની વચ્ચેની વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ ઘટવાની શક્યતા છે, કારણ કે ઓછો GST લાગુ થવાથી કિંમત પહેલેથી જ ઘટી ગઈ છે.”
GST સ્લેબમાં ફેરફારથી થશે કેવી અસર
પહેલાં 1,000 રૂપિયા સુધીના કપડાં અને ફૂટવેર પર 5 ટકા GST લાગતો હતો અને તેનાથી વધુની કિંમત પર 12 ટકા GST લાગતો હતો. હવે 2,500 રૂપિયા સુધીના તમામ ઉત્પાદનો પર 5 ટકા GST લાગશે, જે ગ્રાહકો માટે ફાયદાકારક છે. હવે 2,500થી વધુ કિંમતના ઉત્પાદનો પર 18 ટકા GST લાગશે, જેના કારણે તેમની કિંમતો વધશે. નવો GST સ્લેબ લાગુ પડ્યા પછી લેવિસ અને પુમા જેવી વૈશ્વિક બ્રાન્ડ્સનું વેચાણ 2,500 રૂપિયાથી ઓછી કિંમતના ઉત્પાદનો પર વધવાની સંભાવના છે. આથી, કંપનીઓના કુલ વેચાણમાં આ વર્ગનો હિસ્સો 25-30% થી વધીને 40-50% થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, એક અહેવાલ અનુસાર, આ GST સ્લેબમાં ફેરફારના કારણે આગામી તહેવારોની તથા લગ્નસરાની સીઝન દરમિયાન વેચાણમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. જેમાં બ્રાન્ડેડ કપડાંનું વેચાણ મધ્યમથી ઉચ્ચ સ્તરે વધશે એવું અનુમાન લગાવાયું છે.
આ પણ વાંચો…તહેવારોમાં સોનું ખરીદતા પહેલા જાણો નવા GST અને PAN-આધાર સંબંધિત નિયમો