રામ મંદિરના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ થશે! જસ્ટિસ ચંદ્રચુડના નિવેદનથી વિવાદ | મુંબઈ સમાચાર
નેશનલ

રામ મંદિરના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ થશે! જસ્ટિસ ચંદ્રચુડના નિવેદનથી વિવાદ

નવી દિલ્હી: તાજેતરમાં એક ઈન્ટરવ્યું દરમિયાન અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અંગેના ચુકાદા અંગે ટીપ્પણી કરીને ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે વિવાદનો મધપુડો છંછેડ્યો છે. વર્ષ 2019 માં પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે આપેલા આ ચુકાદા સામે ક્યુરેટિવ પિટિશન દાખલ કરવામાં આવી શકે છે.

વર્ષ 2019માં તત્કાલીન CJI રંજન ગોગોઈ, ન્યાયાધીશ એસએ બોબડે, ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, ન્યાયાધીશ અશોક ભૂષણ અને ન્યાયાધીશ અબ્દુલ નઝીરે ચુકાદો આપતા જણાવ્યું હતું કે મુસ્લિમ પક્ષ બાબરી મસ્જિદ સ્થળ પર માલિકી હોવાનું સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે. બેન્ચે મંદિર નિર્માણની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

એ સ્પષ્ટ કરવામાં ન હતું કે પાંચ ન્યાયાધીશોમાંથી કોણે ચુકાદો લખ્યો હતો, જોકે વ્યાપકપણે એવું માનવામાં આવે છે કે જસ્ટિસ ચંદ્રચુડે ચુકાદો લખ્યો હતો. રામ મંદિર અંગેના ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે બાબરી મસ્જિદ બનાવવા માટે મંદિર તોડી પાડવામાં આવ્યું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.

જસ્ટિસ ચંદ્રચુડના નિવેદન બાદ વિવાદ:

તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુંમાં જસ્ટિસ ચંદ્રચુડે જણાવ્યું કે બાબરી મસ્જિદનું બાંધકામ સ્વાભાવિક રીતે અશુદ્ધ હતું. તેમણે તર્ક આપ્યો કે જ્યાં પહેલાથી જ મસ્જિદ હોય, એ જ જગ્યાએ મસ્જિદ બનાવવી અપવિત્ર ગણવામાં આવી છે.

તેમનાં નિવેદનથી વિવાદ ઉભો થયો છે, કાયદાના જાણકારોએ રામ મંદિર અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે અરજી દાખલ કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. જસ્ટિસ ચંદ્રચુડના નિવેદનના આધારે ક્યુરેટિવ પિટિશન દાખલ કરી શકાય છે.

તર્ક આપવામાં આવી રહ્યો છે કે ડીવાય ચંદ્રચુડે નિવેદનમાં કંઈક એવું કહ્યું છે, જે કોર્ટના ચુકાદામાં સામેલ ન હતું. જેના આધારે ક્યુરેટિવ પિટિશન દાખલ કરી શકાય છે. સુપ્રીમ કોર્ટના ચુકાદામાં ગંભીર ન્યાયિક ભૂલોને સુધારવા માટે ક્યુરેટિવ પિટિશન એક કાયદાકીય ઉપાય છે.

જસ્ટિસ ચંદ્રચુડનો ખુલાસો:

વિવાદ શરુ થયા બાદ જસ્ટિસ ચંદ્રચુડ ખુલાસો આપી ચુક્યા છે. તેમનું કહેવું છે કે તેમના નિવેદનને સંદર્ભ વગર રજુ કરવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટનો અયોધ્યા ચુકાદો તેમની આસ્થા પર નહીં, પરંતુ પુરાવા અને કાયદાકીય સિદ્ધાંતો પર આધારિત હતો. ચુકાદો 1,000 થી વધુ પાનાનો છે, ટીકાકારો આખો ચુકાદો વાંચતા નથી.

વર્ષ 2024માં મંદિરના પહેલા ફેઝના નિર્માણ બાદ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, હવે મંદિરનું નિર્માણ હવે લગભગ પૂર્ણ થઈ ગયું છે.

આ પણ વાંચો…ન્યાયાધીશોએ વધુ પડતું બોલવું ન જોઈએ! જસ્ટિસ નરસિંહાએ પૂર્વ CJI ચંદ્રચુડને આપી સલાહ?

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button