
ઉધમપુર: સરહદ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ યથાવત છે, એવામાં જમ્મુ અને કાશ્મીરના જખૈનીમાં તૈનાત એક CRPF જવાન ગુમ થઇ ગયો હોવાના (CRPF jawan missing) અહેવાલ છે. અહેવાલ મુજબ 137મી બટાલિયનમાં તૈનાત સૈનિક અભિષેક શર્મા છેલ્લા ત્રણ દિવસથી ગુમ છે. ઉધમપુર પોલીસ સ્ટેશનમાં જવાન ગુમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે જવાન ગુમ થવા પાછળ કોઈ કાવતરું હોવાની આશંકાને નકારી નથી, હાલ તપાસ કરવામાં આવી રહી છે.
ગુમ થયેલો જવાન અભિષેક શર્મા ઉત્તર પ્રદેશના આગ્રા સ્થિત મુરલી વિહાર કોલોનીનો રહેવાસી છે. તેના ગુમ થયાના સમાચાર મળ્યા બાદ તેનો પરિવાર ચિંતિત છે. અભિષેકના મોટા ભાઈ અંકુર પરિવારના અન્ય સભ્યો સાથે જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. પોલીસ સ્ટેશનમાં તેમણે જણાવ્યું કે અભિષેક ઉધમપુરના જખૈનીમાં CRPFની 137 બટાલિયનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. પરિવારના સભ્યો અભિષેકના લગ્નની તૈયારી કરી રહ્યા હતા. તેના લગ્ન અંગે વાતો ચાલી રહી હતી.
કેમ્પ છોડ્યો પણ ઘરે ના પહોંચ્યો:
26 મેના રોજ સાંજે 5 વાગ્યે જ્યારે બટાલિયનના સીઈઓએ અભિષેકના ઘરે ફોન કરી પૂછ્યું કે તે ઘરે પહોંચ્યો છે કે નહીં, ત્યારે પરિવાર અને વિભાગના લોકોને અભિષેકના ગુમ થવાની જાણ થઈ. સીઈઓએ પરિવારને કહ્યું કે અભિષેક સવારે 6.30ગ્યે કેમ્પ છોડીને ગયો હતો અને કહ્યું કે તે થોડા સમયમાં પાછો આવશે, પરંતુ તે હજુ સુધી પાછો ફર્યો નથી.
પરિવારનું કહેવું છે કે અભિષેક ગુમ થયા પહેલા તેનો કોઈ સાથે ઝઘડો થયો હોવાની તેમને જાણ નથી, તેનું અચાનક ગુમ થવું એ તપાસનો વિષય છે.
ફોનના લોકેશનની તપાસ:
ગુમ થયાની ફરીત્યાદ નોંધાયા બાદ પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં સોશિયલ મીડિયા, ફોન વગેરેની તપાસ કરવામાં આવી હતી, સાથે જ એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે અભિષેક કોઈ પ્રેમ સંબંધમાં સામેલ હતો કે શું. પરંતુ અત્યાર સુધીની તપાસમાં આવી કોઈ માહિતી મળી નથી. ફોનનું છેલ્લું લોકેશન પોલીસ સ્ટેશનની સામે ટાઉન હોલ પાસે સવારે 7:35 વાગ્યે દેખાઈ રહ્યું છે. ત્યારથી મોબાઈલ બંધ છે.
આ પણ વાંચો….પાકિસ્તાની યુવતી સાથે નિકાહની વાત છુપાવી: CRPF જવાન મુનીર અહમદ બરતરફ, જાણો સમગ્ર મામલો…