નેશનલ

ઇન્ડોનેશિયામાં 7 મહિના સુધી અટકાયતમાં રહ્યા બાદ એમવી આશીના ક્રૂ મેમ્બર્સ પરત ફર્યા

નવી દિલ્હી: ઇન્ડોનેશિયાએ એમવી આશી કાર્ગો કેરીઅરના અટકાયત કરાયેલા ત્રણ ક્રૂ મેમ્બરને મુક્ત કર્યા હતા. ઈન્ડોનેશિયામાં ભારતીય દૂતાવાસ દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી. વિદેશ પ્રધાન એસ જયશંકરે ક્રૂ મેમ્બરના ભારત પરત ફરવા પર ખુશી વ્યક્ત કરી હતી. આ માટે તેમણે ઈન્ડોનેશિયાના જકાર્તામાં ભારતીય દૂતાવાસની પણ પ્રશંસા કરી હતી.

ઇન્ડોનેશિયામાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે, ” ફેબ્રુઆરી 2023 માં શિપ પલટી ગયા પછી એમવી આશીના ત્રણ ક્રૂ સભ્યોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા, તેઓ આજે ભારત પરત ફર્યા હતા જેનો અમને આનંદ છે.”

દૂતાવાસે કહ્યું, ” ક્રૂ સભ્યોને પરત લાવવા અને તેમની મુક્તિમાં સહકાર આપવા બદલ અમે ઇન્ડોનેશિયાના વિદેશી બાબતોના મંત્રાલયનો આભાર માનીએ છીએ.”

મીડિયા રિપોર્ટ અનુસાર, આ વર્ષે 10 ફેબ્રુઆરીએ દુબઈથી ઈન્ડોનેશિયા આવતી વખતે એમવી આશીને રસ્તામાં ખરાબ હવામાનનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે શિપ પર 1900 ટન ડામર હતો. જ્યારે ક્રૂને ખબર પડી કે જહાજ ડૂબી રહ્યું છે, ત્યારે તેઓએ ઇન્ડોનેશિયાના પ્રસાશનને નિયાસ ટાપુ પરથી જહાજને લાંગરવાની પરવાનગી માંગી. આ પછી તમામ 20 ક્રૂ મેમ્બરને બહાર કાઢવામાં આવ્યા હતા.

24 ફેબ્રુઆરી સુધીમાં, 17 ક્રૂ મેમ્બર્સને પરત મોકલવામાં આવ્યા હતા, પરંતુ કેપ્ટન સંજીવ કુમાર, ચીફ એન્જિનિયર સંજય કુમાર પાંડે અને ચીફ ઓફિસર સિયાબ સલામની વધુ તપાસ માટે અટકાયત કરવામાં આવી હતી. આ પછી, ત્રણેયના પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા હતા અને કોર્ટના ગાર્ડ અને ઇન્ડોનેશિયન અધિકારીઓએ તેમના તમામ દસ્તાવેજો જપ્ત કરી લીધા હતા અને તેમને કસ્ટડીમાં લીધા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button