સ્વાતિ માલીવાલ કેસમાં કોર્ટના ચુકાદાથી વિભવ કુમારની મુશ્કેલીમાં વધારો
નવી દિલ્હી: ખૂબ જ ચર્ચાસ્પદ રહેલા સ્વાતિ માલીવાલ (swati maliwal case) પર કથિત રીતે મારપીટ કરવાના કેસમાં આરોપી વિભવ કુમારની (Bibhav Kumar)જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે વિભવ કુમાર સીએમ અરવિંદ કેજરીવાલના ભૂતપૂર્વ અંગત સચિવ રહી ચૂક્યા છે અને તેઓ કેસને પ્રભાવિત કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે 10 જુલાઈના રોજ દિલ્હી હાઈકોર્ટે આ કેસની સુનાવણી બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, સ્વાતિ માલીવાલ પર કથિત મારપીટ સંબંધિત કેસમાં શુક્રવારે 12 જુલાઈએ ચુકાદો સંભળાવવામાં આવશે કે વિભવ કુમારને જામીન મળી શકે છે કે નહિ. ત્યારબાદ આજે હાઈકોર્ટે તેનો ચુકાદો આપતાં વિભવ કુમારની જામીન અરજીને ફગાવી દીધી છે. બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આ નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: Swati Maliwal Case: બિભવ કુમારને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો
આ પહેલા પણ 6 જુલાઈએ કોર્ટે વિભવ કુમારની ન્યાયિક કસ્ટડીને 10 દિવસ વધારી દીધી હતી. વિભવ કુમાર પર 13 મેના રોજ સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાનો આરોપ છે. તે દિવસે વિભવ કુમાર અને સ્વાતિ માલીવાલ બંને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે હાજર હતા. સ્વાતિ માલીવાલ દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ 18 મેના રોજ વિભવ કુમારની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી જ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તેમને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયા છે.
આ બનાવમાં રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે પોલીસને આપેલી ફરિયાદમાં વિભવ કુમાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે 13 મેના રોજ જ્યારે તે મુખ્યમંત્રીને મળવા માટે અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી ત્યારે વેઇટિંગ એરિયામાં વિભવ કુમારે તેના પર હુમલો કર્યો હતો. સ્વાતિ માલીવાલની ફરિયાદ પર 16મી મેના રોજ એફઆઈઆર નોંધવામાં આવી હતી અને બે દિવસ બાદ જ 18મીએ વિભવ કુમારની ધરપકડ કરવામાં આવી હતી.