કોરોના રિટર્ન્સઃ મથૂરાના બાંકે બિહારી મંદિરે જાહેર કરી નવી માર્ગદર્શિકા
મથૂરાઃ વર્ષ 2018થી 2012 સુધી આખા વિશ્વને બાનમાં લેનારી કોરોનાની મહામારી ફરી માથું ઉંચકી રહી છે ત્યારે જાહેર સ્થળો, ધાર્મિક સ્થળો તેમ જ જ્યાં ભીડ એકઠી થાય છે તે સ્થળો પર સાવધાની વરતવી ઘણી જરૂરી છે. ક્રિસમસ અને નવા વર્ષ દરમિયાન મિનિ વેકેશન મળી જતું હોવાથી મંદિરોમા પણ ભીડ થતી હોય છે ત્યારે મથૂરાના બાંકે બિહારી મંદિરમાં પ્રવેશ માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
નવા વર્ષ પર બાંકે બિહારી મંદિરમાં આવનારી ભીડને ધ્યાનમાં રાખીને માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. કોરોનાના નવા પ્રકારને ધ્યાનમાં રાખીને, ભક્તોને અપીલ કરવામાં આવી છે કે તેઓ 60 વર્ષથી વધુ વયના વૃદ્ધો, નાના બાળકો અને બીમાર લોકોને સાથે ન લાવે. બાંકે બિહારી મંદિર મેનેજમેન્ટે શુક્રવારે દેશભરમાં કોવિડ JN-1ના નવા સ્વરૂપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને અહીં આવતા શ્રદ્ધાળુઓને આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ કરી છે.
મંદિર મેનેજમેન્ટે 23 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી લાખો ભક્તો આવવાની સંભાવના વ્યક્ત કરી છે. દરમિયાન, કોવિડ ચેપને રોકવા માટે, મંદિર મેનેજમેન્ટે ભક્તો માટે માર્ગદર્શિકા જારી કરી છે અને તેમને માસ્ક પહેરીને જ મંદિરમાં આવવાનું કહ્યું છે. ખાંસી, શરદી, તાવ, અસ્થમા, એલર્જી વગેરેથી પીડાતા લોકોએ ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો, નાના બાળકો અને બીમાર લોકોને સાથે ન લાવશો. મંદિર પરિસરમાં ગયા પછી લાંબા સમય સુધી ન રોકાવું. જો કોઈ ભક્તમાં કોવિડના લક્ષણો દેખાય, તો તેણે તરત જ પોતાનું પરીક્ષણ કરાવવું જોઈએ અને ભીડમાં જવાનું ટાળવું જોઈએ.
મંદિર મેનેજમેન્ટે ભક્તોને પોલીસ પ્રશાસન દ્વારા નક્કી કરેલા રૂટથી જ મંદિરમાં દર્શન કરવા જણાવ્યું છે. મંદિરના મેનેજર મુનીશ કુમાર શર્માએ જણાવ્યું કે શનિવારથી 5 જાન્યુઆરી સુધી ભક્તોની ભારે ભીડ રહેવાની સંભાવના છે. કોવિડ રોગચાળાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને અને આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીને ધ્યાનમાં રાખીને મંદિર મેનેજમેન્ટે માર્ગદર્શિકા પણ જારી કરી છે. ભક્તોને માસ્ક પહેરવા અને એકબીજાથી અંતર જાળવવા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલી સલાહનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.