તબ્લિગી જમાતના સંમેલન માટે રેવંત રેડ્ડીએ કરોડો ફાળવતા વિવાદ..
તેલંગાણા: સુન્ની મુસલમાનોનું એક મોટું સંગઠન ગણાતા તબ્લિગી જમાતના સંમેલન માટે તેલંગાણાની રેવંત રેડ્ડી સરકારે 2.45 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે. આ અંગે ભાજપે વિરોધ વ્યક્ત કર્યો હતો.
તેલંગાણાના વિકારાબાદ જિલ્લામાં 6થી 8 જાન્યુઆરીના રોજ તબ્લિગી જમાતનું સંમેલન યોજાવા જઇ રહ્યું છે ત્યારે કેટલાક હિંદુવાદી સંગઠનો તથા સ્થાનિક ભાજપ મહાસચિવ બંડી સંજયકુમારે આ વાતનો વિરોધ કરી તેને ‘અપમાનજનક’ ગણાવ્યું હતું. જેને પગલે તેલંગાણામાં રાજકારણ ગરમાયું છે. બંડી સંજયકુમાર કરીમનગરના સાંસદ પણ છે, તેમણે જણાવ્યું હતું કે તબ્લિગી જમાતના સંમેલન માટે સરકારે નાણાની વ્યવસ્થાની જે જાહેરાત કરી છે તેને પાછી ખેંચે, આ સંગઠન ધર્માંતરણની તથા આતંકવાદી પ્રવૃત્તિઓમાં પણ સામેલ છે.
બીજેપી નેતાએ સીએમ રેવંત રેડ્ડીને બેઠક માટે પરવાનગી આપવા અને ભંડોળ મંજૂર કરવામાં સામેલ અધિકારીઓ સામે પગલાં લેવાની પણ માંગ કરી. ભાજપના ધારાસભ્ય ટી. રાજા સિંહે પણ તબ્લિગી જમાતની બેઠક માટે 2.45 કરોડ રૂપિયા ફાળવવા બદલ કોંગ્રેસ સરકારની ટીકા કરી છે.
બંડી સંજય કુમારે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે ઈરાન, ઉઝબેકિસ્તાન, તાજિકિસ્તાન, કઝાકિસ્તાન, રશિયા અને સાઉદી અરેબિયા સહિતના ઘણા દેશોમાં પ્રતિબંધિત આ સંગઠનને કોંગ્રેસ કેમ સ્વીકારી રહી છે. “જ્યારે તબ્લિગી જમાતના વિવાદાસ્પદ ઉપદેશોને કારણે આ દેશોમાં તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, ત્યારે કોંગ્રેસ સરકાર તેને આવકારવા માટે લાલ જાજમ બિછાવી રહી છે, જે પાર્ટીની પ્રાથમિકતાઓ અને ઉદ્દેશ્યો પર પ્રશ્નો ઉભા કરે છે,” તેવું તેમણે કહ્યું હતું.
બજેટમાં પાણી પૂરું પાડવા અને સમ્પનું બાંધકામ, પાઈપલાઈન નાખવા, પાર્કિંગ એરિયા, અવિરત વીજ પુરવઠો માટે ટ્રાન્સફોર્મર લગાવવા માટે ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. તેલંગાણા રાજ્ય વક્ફ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારીને વિકરાબાદ જિલ્લા કલેક્ટરને કામના તાત્કાલિક અમલ માટે ફંડ આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તેલંગાણા અને આંધ્રપ્રદેશના 3થી 5 લાખ મુસલમાનો સામેલ થશે તેવું અનુમાન છે.
રાજ્યના કેટલાક વકીલોએ પણ તબ્લિગી જમાતની બેઠક અંગે વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે સાઉદી સહિત ઘણા દેશોમાં તબ્લિગી જમાતના કાર્યક્રમોના આયોજન પર પ્રતિબંધ છે. એડવોકેટ રચના રેડ્ડીએ સવાલો ઉઠાવ્યા હતા કે કેવી રીતે ગૃહમાં આતંકવાદને પ્રોત્સાહન આપતી સંસ્થાને તેનો કાર્યક્રમ યોજવાની માત્ર પરવાનગી જ નહીં પરંતુ લઘુમતી કલ્યાણ ભંડોળની ફાળવણી પણ કરી દેવાઇ હતી.
બીજી તરફ તે જ સમયે, તબ્લિગી જમાતના પ્રતિનિધિઓએ કહ્યું હતું કે તેમની બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય માનવ સેવા છે. તેમણે કહ્યું કે અન્ય ઘણા સ્ત્રોતોમાંથી ભંડોળ એકત્ર કર્યું છે, સરકાર માત્ર પાણી પુરવઠો અને અન્ય સુવિધાઓ આપશે. પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે તેમની બેઠકનો હેતુ સમાજમાં હિન્દુ-મુસ્લિમ ભાઈચારાનો સંદેશ આપવાનો છે, નકારાત્મક પ્રવૃત્તિઓ ફેલાવવાનો નથી.