
નવી દિલ્હીઃ રાહુલ ગાંધીની નાગરિકતાને લઈને ઘણા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ બાબતે હાઈકોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની નાગરિકતા મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને નિર્ણય લેવા માટે કહ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય આના માટે હાઈકોર્ટ પાસ બે મહિનાનો સમય માંગ્યો હતો પરંતુ કોર્ટ એક મહિનાનો સમય આપ્યો છે. આગામી 21 એપ્રિલના રોજ આ કેસમાં સુનાવણી થવાની છે. ઘણા સમયથી રાહુલ ગાંધીની નાગરિકતા અંગે અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
રાહુલ ગાંધી ભારત અને બ્રિટન બંને દેશના નાગરિક: વકીલનો આરોપ
આ કેસની વાત કરવામાં આવે તો, કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, રાહુલ ગાંધી ભારત અને બ્રિટન બંનેના નાગરિક છે, અને તેથી બંધારણના અનુચ્છેદ 84(A) હેઠળ ચૂંટણી લડવા માટે અયોગ્ય છે. તેથી, તેમનું સંસદ સભ્યપદ રદ કરવું જોઈએ. જેથી આ કેસમાં લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જો કે, આગામી 21 એપ્રિલે જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય કોર્ટને રિપોર્ટ આપશે ત્યારે સમગ્ર ઘટના વિશે જાણી શકાશે કે, આખરે રાહુલ ગાંધી પાસે ખરેખર બે દેશોની નાગરિકતા છે?
વિગ્નેશ શિશિરે 2024માં કોર્ટમાં આ કેસ દાખલ કર્યો હતો
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વાત કરવામાં આવે તો, કર્ણાટકના વકીલ અને ભાજપના સક્રિય સભ્ય એવા એસ વિગ્નેશ શિશિરે 2024માં અલ્હાબાદ કોર્ટમાં આ કેસ દાખલ કર્યો હતો. આ અરજીમાં વકીરે બ્રિટિશ સરકારના 2022 ના એક ગુપ્ત મેઇલનો ઉલ્લેખ કરીને રાહુલ ગાંધી પાસે ભારતની સાથે સાથે બ્રિટિશ નાગરિકતા હોવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં પરંતુ વિગ્નેશ શિશિરે ભારતીય નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ 09(2) હેઠળ રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ કરવાની માંગ કરી હતી. જો કે, કોર્ટના ચુકાદા બાદ સમગ્ર બાબત સામે આવી શકે છે.
આ પણ વાંચો:કેન્દ્ર સરકારે સાંસદો અને ભૂતપૂર્વ સાંસદોને ભેટ આપી, સાત વર્ષ બાદ પગાર ભથ્થામા મોટો વધારો
રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે તેવા દરેક પુરાવા છે: વિગ્નેશ શિશિર
જો રાહુલ ગાંધી પાસે બે દેશોની નાગરિકતા હશે તો બ્રિટિશ નાગરિકતા છુપાવવા માટે આરોપ પર રાયબરેલી લોકસભા બેઠક પરથી તેમને સાંસદ પદેથી હટાવી દેવા માટે પણ માંગ કરવામાં આવી છે. વકીલ વિગ્નેશ શિશિરે એવું પણ કહ્યું કે, તેમની પાસે બ્રિટિશ સરકારના દરેક દસ્તાવજો અને ઈમેઈલ છે જેમાં સાબિત કરે છે કે, રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે. જેથી તેઓ ભારતમાં ચૂંટણી લડવા માટે અયોગ્ય છે. આ કારણે રાહુલ ગાંધીને સાંસદ પદેથી હટાવી દેવા માટે માંગણી કરવામાં આવી છે.