નિ:સંતાન દંપતીનો વારસો કોને મળે? સુપ્રિમ કોર્ટે આપ્યો પરંપરાનો હવાલો

નવી દિલ્હી: સુપ્રિમ કોર્ટમાં નિ:સંતાન હિંદુ વિધવાના વારસાને લઈ સુનવણી ચાલી રહી છે. આ મુદ્દે બુધવારે 24 સપ્ટેમ્બરના સુનવણી હાથ ધરવામા આવી. સુનાવણી દરમિયાન કોર્ટે હિંદુ વિવાહમાં ‘કન્યાદાન’ અને ‘ગોત્ર’ બદલાવાની પરંપરા પર ભાર મૂક્યો. આ કેસ ન્યાય અને હજારો વર્ષની પરંપરા વચ્ચેના સંઘર્ષનું પ્રતિબિંબ બની રહ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં નિ:સંતાન હિંદુ વિધવાની સંપત્તિના વારસદાર કોણ હશે તે મુદ્દે અનેક અરજીઓ પર સુનાવણી થઈ છે. હિંદુ વારસા કાયદાની કલમ 15 (1)(b) હેઠળ, જો વિધવાને સંતાન ન હોય અને તેણે પુનર્લગ્ન ન કર્યા હોય, તો સંપત્તિ તેના સાસરિયાને મળે છે, માતાપિતાને નહીં. કોર્ટમાં એક કેસની ચર્ચા થઈ, જેમાં કોવિડ-19થી યુવા દંપતીનું મૃત્યુ થયું, અને હવે પુરુષની માતા સંપૂર્ણ સંપત્તિનો દાવો કરે છે, જ્યારે સ્ત્રીની માતા પોતાની પુત્રીની સંપત્તિનો હિસ્સો માંગે છે.
જસ્ટિસ બી.વી. નાગરથના, જેઓ ભારતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બનવાની લાઇનમાં છે, તેમણે કહ્યું કે હિંદુ વિવાહમાં ‘કન્યાદાન’ અને ‘ગોત્ર-દાન’ની પરંપરા હેઠળ સ્ત્રીનું ગોત્ર બદલાય છે, અને તેના પતિનો પરિવાર તેની જવાબદારી લે છે. તેમણે ઉમેર્યું કે વિવાહિત સ્ત્રી પોતાના ભાઈ સામે ભરણ પોષણની અરજી નહીં કરે, અને દક્ષિણ ભારતના લગ્ન રીતરિવાજોમાં સ્ત્રી એક ગોત્રમાંથી બીજામાં જાય છે. કોર્ટે એમ પણ કહ્યું કે હજારો વર્ષની આ પરંપરાને નિર્ણયથી તોડવાની ઇચ્છા નથી, પરંતુ આ મુદ્દો જાહેર હિતનો છે.
એક અન્ય કેસમાં, નિ:સંતાન દંપતીના મૃત્યુ પછી, પુરુષની બહેન સંપત્તિ પર દાવો કરે છે. વકીલે કોર્ટને જણાવ્યું કે આ મુદ્દો જાહેર હિતનો છે અને સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપની જરૂર છે. એક વિવાદને મધ્યસ્થી માટે મોકલવામાં આવ્યો, અને કલમની કાયદેસરતા પર સુનાવણી નવેમ્બર માટે નક્કી કરવામાં આવી. સ્ત્રી પાસે ઇચ્છાપત્ર બનાવવાનો અધિકાર છે, અને તે ઇચ્છે તો પુનર્લગ્ન પણ કરી શકે છે, તેવું કોર્ટે ઉમેર્યું.
આપણ વાંચો: લદ્દાખમાં ઊભી થયેલી અરાજકતાનો સોનમ વાંગચુકની પાકિસ્તાન મુલાકાત સાથે શું સંબંધ?