મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના કાર્યાલયમાં નેતાઓ વચ્ચે વિવાદ, મારપીટ, વીડિયો વાઈરલ

ભોપાલ: કોંગ્રેસની આગેવાની હેઠળના વિરોધ પક્ષોના ગઠબંધન I.N.D.I.A.માં તો ભંગાણ શરૂ જ છે ત્યારે કૉંગ્રેસના જ બે નેતાઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં મધ્ય પ્રદેશના કૉંગ્રેસ કાર્યાલયમાં કમલનાથ અને દિગ્વિજય સિંહના સમર્થક એવા બે કૉંગ્રેસી નેતાઓ એકબીજા સાથે મારાપીટ કરવા અને બેફામ ગાળો ભાંડતા જોવા મળ્યા હતા. આ મામલો દિગ્વિજય સિંહ વિશે એલફેલ બોલવા અંગે શરૂ થયો હોવાનું કહેવાય છે.
આ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો છે ત્યારે ભાજપે પણ આ વીડિયોને લઇ કૉંગ્રેસની ટીખળ કરવાનો મોકો જવા નથી દીધો. ભાજપના પ્રવક્તા નરેન્દ્ર સલૂજાએ આ વીડિયો સોશિયલ મીડિયો પ્લેટફૉર્મ એક્સ(પહેલા ટ્વીટર) પર રિપોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે કૉંગ્રેસની લાતો અને મુક્કાઓ, હાથાપાઇ અને અશ્લીલ સંસ્કૃતિ ફરી એક વખત લોકો સમક્ષ ઉજાગર થઇ છે. પીસીમાં ખૂબ ગાળાગાળી થઇ અને ખુરશીઓ પણ ફેંકવામાં આવી હતી.
આ મામલો દિગ્વિજય સિંહને ગાળાગાળી કરવાનો છે. કમલનાથના સમર્થક અનુસૂચિત જાતિના નેતા પ્રદીપ અહીરવારને દિગ્વિજય સિંહના સમર્થક એવા કૉંગ્રેસના પ્રવક્તા શહરયાર ખાને પીસીસીમાં ખુલ્લેઆમ ગાળો આપી અને ધમકાવ્યા હતા. આંતરક્લેશ અને ઝઘડા હજી ચાલુ જ છે.
એટલું જ નહીં, વીડિયોમાં જોઇ શકાય છે કે આ ઝઘડો શાંત પાડવા આવેલા એક કમલનાથના સમર્થક કૉંગ્રેસીની સાથે પણ માર મારવામાં આવે છે. આ વીડિયોના કારણે કૉંગ્રેસના મધ્ય પ્રદેશ એકમને ખૂબ નીચાજોણું થયું હોવાનો મત પણ સોશિયલ મીડિયા પર લોકોએ વ્યક્ત કર્યો હતો.