નેશનલ

PM મોદીની તુલના નરકાસુર સાથે કરાતા તમિલનાડુમાં રાજકીય હંગામો

નવી દિલ્હી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે આંધ્ર પ્રદેશ અને તમિલનાડુના પ્રવાસે જઈ રહ્યા છે. આ મુલાકાત પહેલાં જ તમિલનાડુના રાજકારણમાં એક મોટો વિવાદ સર્જાયો છે. રાજ્યની સત્તાધારી પાર્ટી ડીએમકે (DMK) ના એક નેતા દ્વારા જાહેરમાં વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષે આ વીડિયો શેર કરીને DMK નેતાની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. આ વિવાદિત નિવેદનને કારણે તમિલનાડુમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થયા છે.

DMK નેતાની પીએમ મોદી માટે વિવાદીત ટીપ્પણી

આ વિવાદિત ધમકી તેનકાસી જિલ્લામાં એક વિરોધ પ્રદર્શન કાર્યક્રમ દરમિયાન આપવામાં આવી હતી. DMK ના દક્ષિણ જિલ્લા સચિવ જયપાલનએ આ કાર્યક્રમમાં પરોક્ષ રીતે વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. DMK નેતા જયપાલને તેમના સંબોધનમાં પીએમ મોદીની તુલના નરકાસુર સાથે કરી હતી અને કહ્યું હતું કે: “તમારા વોટ છીનવી લેવા માટે મોદી તડપી રહ્યા છે, તેઓ બીજા નરકાસુર છે અને તેમને ખતમ કરવાથી જ તમિલનાડુનું ભલું થઈ શકે છે. આપણે આ લડાઈ એકજૂથ થઈને લડવાની છે અને જીતીને બતાવવાનું છે.” આ નિવેદનથી સમગ્ર રાજ્યમાં ભારે રોષ ફેલાયો છે.

તમિલનાડુ ભાજપના અધ્યક્ષ નયનાર નાગેન્દ્રને સોશિયલ મીડિયા પર આ ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરી છે. તેમણે લખ્યું કે, “દેશના એક અત્યંત મહત્વપૂર્ણ પદની જવાબદારી સંભાળતા નેતા, ખાસ કરીને એક મહાન નેતા, જેમનું આખું વિશ્વ સન્માન કરે છે, તેમને કોઈપણ સન્માન કે મંચ શિષ્ટાચાર વગર જાનથી મારી નાખવાની ધમકી આપવી, તે તમિલનાડુની કાયદા-વ્યવસ્થા પર શંકા ઊભી કરે છે.”

તેમણે વધુમાં કહ્યું કે, જિલ્લા સચિવના આ ક્રૂર ભાષણ દરમિયાન ત્યાં હાજર રહેલા તેનકાસીના સાંસદ અને ધારાસભ્યની મૌન સંમતિ DMK પાર્ટીના હિંસક સ્વભાવ અને ક્રૂરતાને ઉજાગર કરે છે. ભાજપે DMK સરકારને તાત્કાલિક DMK દક્ષિણ જિલ્લા સચિવ જયપાલનની ધરપકડ કરવા વિનંતી કરી છે, જેમણે વડાપ્રધાનની સુરક્ષાને જોખમમાં મૂકતા નિવેદનો આપ્યા છે.

પીએમ મોદીનો આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં કાર્યક્રમ

આ વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નિર્ધારિત કાર્યક્રમ યથાવત્ છે. તેઓ બુધવારે આંધ્ર પ્રદેશના પુટ્ટાપર્થીમાં સત્ય સાઈ બાબાના પવિત્ર તીર્થસ્થળની મુલાકાત લેશે. ત્યારબાદ પીએમ મોદી તમિલનાડુના કોયમ્બતૂર જશે. કોયમ્બતૂરમાં પીએમ મોદી દક્ષિણ ભારત પ્રાકૃતિક કૃષિ શિખર સંમેલનનું ઉદ્ઘાટન કરશે અને સાથે જ પીએમ-કિસાન યોજના હેઠળ ખેડૂતોને યોજનાનો 21મો હપ્તો પણ જાહેર કરશે.

આપણ વાંચો:  UP, MP અને બિહારના વિભાજનને 25 વર્ષ પૂર્ણ, જાણો ત્રણ નવા રાજ્યોની વિકાસ યાત્રામાં કોણ આગળ રહ્યું?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button