નેશનલ

G20 સમિટમાં ચા વેચતા PM મોદીનો AI વીડિયો કોંગ્રેસે નેતાએ શેર કર્યો; ભાજપે આપ્યો આવો જવાબ

મુંબઈ: આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ(AI) વડે એડિટ કરેલો વડાપ્રધાન મોદીનો એક વિડીયો કોંગ્રેસ નેતાએ તેમના સોશિયલ મડીયા હેન્ડલ પર શેર કરતા વિવાદ સર્જાયો છે. આ વિડીયો શેર કરવા બદલ ભાજપે કોંગ્રેસની ટીકા કરી છે.

કોંગ્રેસના નેતાઓ રાગિની નાયકે તેમના X હેન્ડલ પર AI વડે એડિટ કરેલો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં વડાપ્રધાન મોદી G20 સમિટ દરમિયાન રેડ કાર્પેટ પર ચા વેચતા હોય એવું દર્શાવવામાં આવ્યું છે. વિડીયોમાં જોવા મળે છે, કે વડાપ્રધાન મોદી હાલમાં ચાની કીટલી અને કપ સાથે ‘ચાઈ લેલો…’ની બુમો પાડી રહ્યા છે.

આ પણ વાંચો : G20 સમિટમાં PM Modiનો ખાસ સંદેશ, ભારતીય મૂલ્યો દુનિયાને વિકાસ તરફ લઈ જશે

ભાજપે આપ્યો જવાબ:

ભાજપે આ વિડીયોને ભારતના વડાપ્રધાનનું આપમાન ગણાવ્યું છે. ભાજપે કહ્યું કે આવી અભદ્ર મજાક કોંગ્રેસને મોંઘી સાબિત થશે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે OBC અને ગરીબ પરિવારનો કોઈ વ્યક્તિ વડાપ્રધાન બને એ કોંગ્રેસ જોઈ શકતી નથી. હતાશાને કારણે કોંગ્રેસ આવું કરી રહી છે.

શહજાદ પૂનાવાલાએ કહ્યું, “પહેલા, રેણુકા ચૌધરીએ સંસદનું અપમાન કર્યું. હવે, રાગિણી નાયકે વડાપ્રધાન મોદીની પૃષ્ઠભૂમિની મજાક ઉડાવી. આ લોકો મહેનતુ વ્યક્તિને વડાપ્રધાન પદ પર જોઈ શકતા નથી. તેથી જ તેઓ તેમની મજાક ઉડાવી રહ્યા છે. આ લોકો વડાપ્રધાન મોદીને 150 વખત ગાળો આપી ચુક્યા છે. બિહાર ચૂંટણી દરમિયાન તેમણે વડાપ્રધાન મોદીની માતાનું પણ અપમાન કર્યું હતું.”

આ પણ વાંચો : G20 સમિટમાં PM Modi ઇટાલીના વડાપ્રધાન મેલોનીને મળ્યાં, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

નોંધનીય છે કે વડાપ્રધાન મોદી અનેક વાર જણાવી ચુક્યા છે કે તેઓ બાળપણમાં એક વડનગરના રેલ્વે સ્ટેશન પર ચા વેચવાનું કામ કરતા હતાં, જો કે ઘણા લોકો તેમના આ દાવા અંગે સવાલો ઉઠાવી ચુક્યા છે.

જાહેર સભામાં વડાપ્રધાન મોદી પોતાને ‘ચા વાળો’ ગણાવી ચુક્યા છે. લોકસભા ચૂંટણી 2014 દરમિયાન વડાપ્રધાન મોદીની ચા વાળાની પૃષ્ઠભૂમિને રાજકીય પ્રચાર માટે ઉપયોગમાં લીધી હતી. ભાજપે “ચાઈ પે ચર્ચા” અભિયાન ચલાવ્યું હતું.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button