કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પોતાના જ કાર્યકરોને ‘કુતરા’ સાથે સરખાવ્યા, ભાજપે આપી આવી પ્રતિક્રિયા

નવી દિલ્હી: કોંગ્રેસે શનિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં ન્યાય સંકલ્પ રેલીનું આયોજન કર્યું છે. આ રેલીમાં બૂથ લેવલના કાર્યકરોથી લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે મોદીએ બધાને બરબાદ કરી દીધા છે. આ સાથે તેને કહ્યું હતું કે જ્યારે કૂતરો ખરીદતી વખતે જોવામાં આવે છે કે તે બરાબર ભસે છે કે નહીં, તેવી જ રીતે ભસવા વાળા કાર્યકર્તાઓને બૂથનું કામ સોંપવું જોઈએ.
કોંગ્રેસ અધ્યક્ષે રેલીમાં કહ્યું કે ‘દેશના બંધારણને બચાવવા ભાજપ સરકારમાં થતાં અત્યાચારો સામે રાહુલ ગાંધી લડી રહ્યા છે. જો તમે આ લડાઈમાં હારી ગયા તો તમે મોદીના ગુલામ થઈ જશો. તેને કહ્યું કે PM મોદી આ દેશની જનતાને ગુલામીમાં ધકેલી દેશે. આજે દેશમાં 30 લાખ નોકરીઓ ખાલી પડેલી છે. આ ખાલી જગ્યાઓ એટલા માટે નથી ભરવામાં આવતી કારણ કે ત્યાં SC, STના લોકો આવી જશે’
આ સાથે જ તેને નિતિશ કુમાર PM નરેન્દ્ર મોદી ઉપર પણ આકરા પ્રહાર કર્યા હતા. નીતીશ કુમારને તેણે પલટૂ રામ માંથી પલટૂ કુમાર થઈ ગયા છે એમ કહ્યું હતું જ્યારે PM મોદીને મુખમાં રામ અને બગલમાં છુરી રાખવા વાળા કહ્યા હતા. ખડગેએ ન્યાય સંકલ્પ રેલીમાં વધુમાં કહ્યું કે, સબકા સાથ સબકા વિકાસ માત્ર પીએમ મોદીનું સૂત્ર છે, પરંતુ તેમણે બધાને બરબાદ કરી દીધા છે.
જ્યારે, આ મામલે BJP આઈટી સેલના પ્રભારી અમિત માલવિયાએ ખડગેના નિવેદનને શરમજનક ગણાવ્યું છે. તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનો વિડિયો તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરીને લખ્યું કે જે પક્ષના અધ્યક્ષ તેના સંગઠનની સૌથી મજબૂત અને મહત્ત્વની કડી ‘બૂથ એજન્ટ’ને ‘કૂતરો’ બનાવીને ચકાસવા માંગતો હોય તો તે પક્ષની દુર્ગતિ નક્કી છે.
 
 
 
 


