‘બજેટમાં દક્ષિણ ભારતને અન્યાય થયો, અલગ દેશની માંગ’ કોંગ્રેસ સાંસદના નિવેદને વિવાદ ઉભો કર્યો

નવી દિલ્હી: આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન નિર્મલા સીતારમણે વર્ષ 2024 માટે વચગાળાનું બજેટ રજુ કર્યું હતું. ત્યાર બાદ વિવિધ પક્ષના નેતાઓ બજેટ વિષે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, એવામાં કર્ણાટકના સાંસદના નિવેદનને કારણે વિવાદ ઉભો થયો છે. બેંગલુરુ ગ્રામીણના સાંસદ અને કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારના ભાઈ ડીકે સુરેશે કહ્યું કે જ્યારે ભંડોળ ફાળવવાની વાત આવે છે ત્યારે દક્ષિણ ભારતની હંમેશા અવગણના કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ આખરે આવું વલણ દેશના દક્ષિણ ભાગ માટે અલગ દેશની માંગ કરવા તરફ દોરી જશે.
બજેટ સત્ર પછી પત્રકારો સાથે વાત કરતા સાંસદ ડીકે સુરેશે કહ્યું કે, “કેન્દ્ર સરકાર ફંડ ફાળવતી વખતે દક્ષિણ ભારતની અવગણના કરી રહી છે. તેઓ ઉત્તર ભારત, ખાસ કરીને હિન્દી હાર્ટલેન્ડને વધુ ભંડોળ ફાળવે છે. જો આવા વલણમાં બદલાવ નહીં આવે, તો અમને હિન્દી હાર્ટલેન્ડથી અલગ થવા અને અલગ દેશની માંગ કરવા માટે ઉશ્કેરશે. આપણને યોગ્ય વસ્તુઓ મળવી જોઈએ.”
કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે ડીકે સુરેશની ટીકા કરી અને આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાર્ટી વિભાજનકારી રાજનીતિ કરી રહી છે. તેમણે કહ્યું, “એક સમયે કોંગ્રેસમાં સરદાર પટેલ જેવા નેતાઓ હતા જેમણે ભારતને એક વૈવિધ્યસભર છતાં એકીકૃત રાષ્ટ્રમાં બનાવવા કામ કર્યું હતું. આજે કોંગ્રેસનું પ્રતિનિધિત્વ ડીકે સુરેશ જેવા લોકો કરે છે. તેમનો એજન્ડા લોકોને ઉત્તર-દક્ષિણ વિભાજીત કરવાનો અને તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો છે.”
અગાઉ પણ દક્ષિણ ભારત માટે અલગ દેશની ચર્ચા થઈ છે. ગયા વર્ષે ઓગસ્ટમાં ડીએમકેના પ્રધાન ઈવી વેલુએ કહ્યું હતું કે ‘દ્રવિડનાડુ’નું નિર્માણ થવું જ જોઈએ.
તેમણે કહ્યું કે, “ભારતની અમારા પર કોઈ અસર નથી. હું ખુલ્લેઆમ કહી રહ્યો છું. ભારત ઉત્તરનો ભાગ છે અને અમે તમિલનાડુના છીએ. દક્ષિણ ભારતીયોના લાભ માટે દ્રવિડનાડુની રચના થવી જોઈએ.
બાદમાં વિવિધ પક્ષોના ઘણા નેતાઓએતેમની નિંદા કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે તેમની પાર્ટી ભારતના ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે.