નેશનલ

નૂંહની હિંસા સંબંધે કૉંગ્રેસના વિધાનસભ્યની ધરપકડ

ગુરુગ્રામ / ચંડીગઢ: પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે નૂંહમાં 31 જુલાઇએ થયેલી હિંસાના સંબંધે કૉંગ્રેસના વિધાનસભ્ય મામ્મન ખાનની ધરપકડ કરાઇ હતી. મૉબાઇલ ઇન્ટરનેટ સેવા બે દિવસ માટે કામચલાઉ બંધ કરાઇ છે અને લોકો ટોળે ન વળે તે માટે 144મી કલમ હેઠળ પ્રતિબંધ મૂકતો આદેશ બહાર પડાયો હતો.

નૂંહમાં કોમી રમખાણના સંબંધમાં નોંધાયેલા પ્રથમદર્શી અહેવાલ (એફઆઇઆર)માં જેનું નામ છે, તે ફિરોઝપુર ઝીરખાના વિધાનસભ્ય મામ્મન ખાનની ગુરુવારે મોડી રાતે ધરપકડ કરાઇ હતી.
પ્રથમદર્શી અહેવાલમાં વિવિધ ગ્રૂપની વચ્ચે ધર્મના નામે દુશ્મનાવટ ઊભી કરવાનો આરોપ પણ મુકાયો હતો.

ફિરોઝપુર ઝીરખાના પોલીસ ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ સતીશ કુમાર અને ખાસ તપાસ ટુકડીએ વિધાનસભ્યની ધરપકડ કરાઇ હોવાના અહેવાલને સમર્થન આપ્યું હતું.
નૂંહના વિધાનસભ્ય આફતાબ અહેમદે જણાવ્યું હતું કે ખાનની ધરપકડ કરાઇ હોવાની માહિતી પોલીસે અમને આપી હતી.

નૂંહનાં આસિસ્ટન્ટ પોલીસ સુપરિન્ટેન્ડન્ટ ઉષા કુંડુએ જણાવ્યું હતું કે ખાનને શહેરની એક અદાલતમાં રજૂ કરાયો હતો. જિલ્લામાં 144મી કલમ હેઠળ અપાયેલા આદેશનો અમલ આગામી હુકમ સુધી ચાલુ રખાશે.
ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ટી. વી. એસ. એન. પ્રસાદે જણાવ્યું હતું કે ખોટી માહિતી ન ફેલાય, તે માટે બલ્ક એસએમએસ સેવા કામચલાઉ બંધ કરાઇ છે. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button