કોંગ્રેસના આ સસ્પેન્ડેડ નેતાની મુશ્કેલીઓ વધી: જાતીય સતામણી અને ગર્ભપાત માટે દબાણ કરવા બદલ થઈ પોલીસ ફરિયાદ

તિરુવનંતપુરમ: દેશમાં એવા ઘણા નેતાઓ છે, જેમના પર વિવિધ કલમો હેઠળ કેસ ચાલી રહ્યા છે. આવા નેતાઓમાં એક વધુ નેતાનો ઉમેરો થયો છે. કેરળના પલક્કડ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલા રાહુલ મમકુટાથિલ વિરુદ્ધ પોલીસે ગંભીર આરોપોસર કેસ દાખલ કર્યો છે. એક મહિલા પર જાતીય સતામણી કરવા અને બળજબરીથી ગર્ભપાત કરાવવા માટે દબાણ કરવાના આરોપસર આ કાર્યવાહી કરવામાં આવી છે.
BNSની કલમો હેઠળ ગુનો નોંધાયો
27 નવેમ્બરને ગુરુવારના રોજ પીડિતાએ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનને મળીને પલક્કડ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રાહુલ મમકુટાથિલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ત્યારબાદ પોલીસે મોડી રાત સુધી પીડિતાનું નિવેદન નોંધ્યું હતું અને કેસ દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, ધારાસભ્ય વિરુદ્ધ BNS (ભારતીય ન્યાય સંહિતા)ની કલમો હેઠળ જાતીય સતામણી, બળજબરીથી ગર્ભપાત, હુમલો, અતિક્રમણ અને ગુનાહિત ધાકધમકી સંબંધિત કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આપણ વાચો: Prajwal Revanna Sex Scandal: પ્રજ્વલ રેવન્ના સામે JDSની મોટી કાર્યવાહી, પાર્ટીમાંથી સસ્પેન્ડ
પોલીસે આ કેસમાં ધારાસભ્યના મિત્ર જોબી જોસેફનું નામ પણ આરોપી તરીકે નોંધ્યું છે. જેના પર પીડિતાને ગર્ભપાત માટે દવા પૂરી પાડવાનો આરોપ છે. આ કેસ નેમોમ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે અને તિરુવનંતપુરમ શહેર પોલીસ કમિશનરની દેખરેખ હેઠળની એક ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.
મુખ્યમંત્રીને ફરિયાદ બાદ ધારાસભ્ય ગાયબ
ઉલ્લેખનીય છે કે, પીડિતાએ મુખ્યમંત્રીને ફરિયાદ કર્યા બાદ ધારાસભ્ય રાહુલ મમકુટાથિલ છુપાઈ ગયા છે. મળતી માહિતી મુજબ, રાહુલ મમકુટાથિલ ગુરુવાર સાંજ સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતા, પરંતુ ત્યારબાદ તેઓ જોવા મળ્યા નથી અને પોલીસ તેમની શોધ કરી રહી છે.
કોંગ્રેસે ઓગસ્ટ મહિનામાં જ મમકુટાથિલને પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. અગાઉ, મલયાલમ અભિનેત્રી રિની એન. જ્યોર્જે પણ એક યુવા નેતા પર ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો, જેના પગલે મમકુટાથિલે યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારથી, ઘણી મહિલાઓ અને એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિએ પણ તેમની સામે આરોપો લગાવ્યા છે, જેના પગલે ભાજપ અને ડીવાયએફઆઈએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા.



