કોંગ્રેસ નેતા કરણ સિંહએ પાર્ટીને આપી સલાહ કહ્યું કે જો આમંત્રણ મળ્યું છે તો…..

અયોધ્યા: રામ મંદિરનો મુદ્દો અત્યારે ઘણો ચર્ચામાં છે. કારણકે તેના કારણે તમામ પક્ષો રોજ નવા નવા નિવેદનો આપી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કરણ સિંહને રામ મંદિરના અભિષેક માટે આમંત્રણ મળ્યું છે, પરંતુ તેમનું સ્વાસ્થ્ય સારું ના હોવાના કારણે તે સમારોહમાં ભાગ લેશે નહીં. જો કે તેમને પોતાની પાર્ટીના નેતૃત્વને સલાહ આપતા કહ્યું હતું કે જો તમને રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ મળે છે તો તમારે જવું જ જોઈએ. આમંત્રણનો અસ્વીકાર કરવો જોઈએ નહિ.
આ ઉપરાંત તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે મને 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરના ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ મળ્યું હતું. જો કે તે તેમના સ્વાસ્થયના કારણે અયોધ્યા જઈ શકશે નહિ પરંતુ લોધી રોડ પરના રામ મંદિરમાં નાના પાયે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તે ત્યાં ચોક્કસ હાજરી આપશે.
આ ઉપરાંત તેમણે ખાસ એમ પણ કહ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કોંગ્રેસને સમારોહમાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હોય તો તેમને જવામાં કોઈ ખચકાટ ન થવો જોઈએ. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ 22મીએ અયોધ્યામાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ નેતાઓમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીનો સમાવેશ થાય છે.
કોંગ્રેસે એક નિવેદન જારી કરીને 22 જાન્યુઆરીએ યોજાનાર કાર્યક્રમમાં ભાગ લેવાનો ઈન્કાર કરતા કહ્યું હતું કે આ કાર્યક્રમ ભાજપ અને આરએસએસનો છે. અને ત્યારબાજ ભાજપના ઘણા નેતાઓએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી તેમજ તેને હિન્દુ વિરોધી પણ ગણાવી હતી જો કે કાંગ્રેસના ઘણા નેતાઓએ પણ આમંત્રણના અસ્વીકારને ગેરવ્યાજબી ગણાવ્યું હતું.