નેશનલ

કર્ણાટકમાં કૉંગ્રેસે ઓબીસી ક્વોટા મુસ્લિમોને આપ્યો, ભાજપ હરિયાણામાં આવું થવા દેશે નહીં: અમિત શાહ

મહેન્દ્રગઢ (હરિયાણા): કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે એવો આરોપ કર્યો હતો કે કૉંગ્રેસ પછાત વર્ગ વિરોધી છે અને જો તે હરિયાણામાં સત્તા પર આવશે તો પછાત વર્ગોનું આરક્ષણ છીનવીને મુસ્લિમોને આપી દેશે.

હરિયાણામાં બેકવર્ડ ક્લાસીસ સમ્માન સંમેલનમાં તેમણે 1950માં ગઠિત કરવામાં આવેલા કાકા કાલેકર કમિશનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ઓબીસી સમાજને અનામત આપવા માટે તેનું ગઠન કરવામાં આવ્યું હતું અને કૉંગ્રેસે આ પંચની ભલામણો પર વર્ષો સુધી કોઈ અમલ કર્યો નહોતો.

1980માં (ત્યારના વડા પ્રધાન) ઈન્દિરા ગાંધીએ મંડલ પંચને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીધું હતું. 1990માં જ્યારે તેનો સ્વીકાર કરવામાં આવ્યો ત્યારે રાજીવ ગાંધીએ અઢી કલાક લાંબું ભાષણ આપ્યું હતું અને ઓબીસી આરક્ષણનો વિરોધ કર્યો હતો, એમ અમિત શાહે કહ્યું હતું.

આપણ વાંચો: દિલ્હીમાં Amit Shah & Ajit Pawar વચ્ચે બંધ બારણે મુલાકાત, હવે નવી અટકળો તેજ

કર્ણાટકમાં કૉંગ્રેસે ઓબીસી સમાજનું આરક્ષણ છીનવીને મુસ્લિમોને આપી દીધું છે. જો તેઓ હરિયાણામાં સત્તા પર આવશે તો અહીં પણ એવું જ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. હું તમને ખાતરી આપવા માગું છું કે હરિયાણામાં મુસ્લિમ આરક્ષણ આપવા દઈશું નહીં, એમ તેમણે કહ્યું હતું. તેમણે ભારપુર્વક કહ્યું હતું કે હરિયાણામાં ભાજપ પૂર્ણ બહુમતી સાથે સરકાર ગઠિત કરશે. અહીં ઉલ્લેખનીય છે કે હરિયાણા વિધાનસભાની ચૂંટણીઓ ચાલુ વર્ષના અંતે થવાની છે.

અમિત શાહે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈનીના નેતૃત્વ હેઠળની સરકારે તાજેતરમાં ઓબીસી સમાજ માટેની ક્રીમી લેયરની આવકમર્યાદા રૂ. છ લાખથી વધારીને રૂ. આઠ લાખ કરી છે.

કૉંગ્રેસના સિનિયર નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિંદર સિંહ હુડ્ડાની હરિયાણા માંગે હિસાબ ઝુંબેશ માટે ઝાટકણી કાઢતાં તેમણે કહ્યું હતું કે હુડ્ડા સાહેબ તમારે 10 વર્ષ સુધી હરિયાણાને વિકાસથી વંચિત રાખનારા કુશાસનનો હિસાબ આપવો પડશે.

કૉંગ્રેસે સોમવારે હરિયાણા માંગે હિસાબ ઝુંબેશ આદરી હતી, જેમાં તેમણે ભાજપની સરકારની બેરોજગારી, કાયદો અને વ્યવસ્થા સહિત વિવિધ મોરચે નિષ્ફળ જવા માટે આંદોલન છેડવામાં આવશે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button