કર્ણાટકમાં ભાજપ-જેડીએસ વચ્ચેના ગઠબંધન અંગે અસમંજસ

લોકસભા ચૂંટણી 2023 માટે કર્ણાટકમાં ભાજપ અને જેડીએસ વચ્ચે ગઠબંધન થયું છે કે નહિ તેની સ્પષ્ટતા હજુ થઇ નથી. કર્ણાટકના પૂર્વ સીએમ અને ભાજપ નેતા યેદિયુરપ્પા મુજબ, સીટ શેરિંગને લઇને સમજૂતી થઇ છે, પરંતુ જેડીએસ સુપ્રીમો એચ ડી દેવગૌડાએ તેને નકાર્યું છે.
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ જેડીએસ અને ભાજપ પાસે ગઠબંધન કરીને લડવા સિવાય કોઇ વિકલ્પ નથી. ભાજપ નેતા બીએસ યેદિયુરપ્પાએ સીટ શેરિંગને મુદ્દે જણાવ્યું છે કે રાજ્યની 28 લોકસભા બેઠકોમાંથી 4 જેડીએસને આપવામાં આવી છે. એચ ડી દેવગૌડાએ આ મામલે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.
જેડીએસ જૂના મૈસુરું વિસ્તારની 8 લોકસભા બેઠક પર મજબૂત સ્થિતિમાં છે. આ 8 બેઠકો ચામરાજનગર, માંડ્યા, મૈસુરું, તુમકુર, હાસન, બેંગ્લુરુ રૂરલ, કોલાર અને ચિકબલાપુર છે. વોક્કાલિગ્ગા બહુમતી ધરાવતી આ બેઠકો પર જેડીએસનું સમર્થન ભાજપને મજબૂતાઇ આપશે.
વર્ષ 2019ની લોકસભા ચૂંટણીઓમાં 28માંથી 26 બેઠકો ભાજપે જીતી હતી. ત્યારે કોંગ્રેસ અને જેડીએસ એ સાથે મળીને ચૂંટણી લડી હતી. જેડીએસ સુપ્રીમો દેવગૌડા મુજબ તેમણે ભાજપના ટોચના નેતૃત્વને કર્ણાટકની સ્થિતિથી વાકેફ કર્યા છે.
આ મામલે દેવગૌડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે અમે પીએમ મોદી સાથે મુલાકાત કરી પરંતુ મેં સામેથી તેમની પાસે બેઠકો માગી નથી. સત્ય બોલવું જરૂરી છે. તમને લોકોને જાણ હોવી જોઇએ, દેવેગૌડાએ આ બેઠક માગી, પેલી બેઠક માંગી- એવું ન થવું જોઇએ. દેવગૌડાના પુત્ર કુમારસ્વામીએ પણ મુલાકાતની વાતને સમર્થન આપ્યું હતું પરંતુ બેઠકોની વાતને નકારી હતી.
દેવગૌડા વૃદ્ધ છે. તાજેતરની ચૂંટણીઓમાં તેમની પાર્ટી જેડીએસનું પ્રદર્શન સારું રહ્યું નથી, કારણ કે જેડીએસમાં તેમના જેવી લોકપ્રિયતા ધરાવતો અન્ય કોઈ નેતા નથી. આ સાથે જ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ ભાજપ પણ તક શોધી રહી છે. આવી સ્થિતિમાં જેડીએસ અને ભાજપ સાથે મળીને લોકસભા ચૂંટણીમાં વધુ સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.