
બરેલી: ગત શુક્રવારે થયેલી હિંસા બાદ ઉત્તર પ્રદેશના બરેલીમાં સાંપ્રદાયિક તાણવનો માહોલ છે. ‘આઈ લવ મુહમ્મ’ લખેલા પોસ્ટર સામે પોલીસની કાર્યવાહીના વિરોધ ગત શુક્રવારે વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેના પર પોલીસે બળપ્રયોગ કરતા હિંસક અથડામણો થઇ હતી. હવે આજે ફરી શુક્રવારની નમાજ યોજવાની છે ત્યારે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
અહેવાલ મુજબ, બરેલી શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. સુરક્ષા વ્યવસ્થાને પાંચ વિભાગોમાં વહેંચવામાં આવી છે, વિવિધ સ્થળોએ 13 સર્કલ ઓફિસર, 250 ઇન્સ્પેક્ટર અને 2,500 કોન્સ્ટેબલ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, અર્ધલશ્કરી દળો, PAC અને પોલીસના આશરે 8,000 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. બરેલી ડિવિઝનના ચાર જિલ્લાઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
ઈન્ટરનેટ સર્વિસ સ્થગિત:
અહેવાલ મુજબ પોલીસ ડ્રોન દ્વાર વિવિધ વિસ્તાર પર દેખરેખ રાખી રહી છે. જીલ્લામાં ઇન્ટરનેટ, બ્રોડબેન્ડ અને SMS સર્વિસ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. 2 ઓક્ટોબરના રોજ બપોરે 3 વાગ્યાથી 4 ઓક્ટોબરના રોજ બપોરે 3 વાગ્યા સુધી હાઈ એલર્ટ લાગુ રહેશે.
શાંતિ જાળવવા અપીલ:
મુસ્લિમ ધાર્મિક નેતાઓએ લોકોને શાંતિપૂર્ણ રીતે નમાજ અદા કરવા અને કોઈપણ પ્રકારનું વિરોધ પ્રદર્શન ન કરવા અપીલ કરી છે. અખિલ ભારતીય મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવીએ લોકોને શાંતિપૂર્ણ નમાઝ માટે અપીલ કરી હતી. તેમણે લોકોને નમાઝ પછી પોતાના ઘર અને દુકાનોમાં પાછા ફરવા અપીલ કરી.
સપા સાંસદનું ‘આઈ લવ મોહમ્મદ’ પોસ્ટર અંગે નિવેદન:
ઉત્તર પ્રદેશના સંભલથી સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયા-ઉર-રહેમાન બર્કે ‘આઈ લવ મોહમ્મદ’ પોસ્ટર લગાવવા બદલ લોકોને સમર્થન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે ‘આઈ લવ મોહમ્મદ’ શબ્દો લખવા કે બોલવામાં કંઈ ખોટું નથી. આ પોસ્ટર કોઈની ધાર્મિક ભાવનાને નુકશાન પહોંચાડતું કરતું નથી, કે તેમાં ખોટો સંદેશ પણ નથી.
પયગંબરે શાંતિનો સંદેશ આપ્યો હતો:
ઝિયા-ઉર-રહેમાન બર્કે કહ્યું, “પયગંબર મોહમ્મદે હમેશા શાંતિ માટે સંદેશ આપ્યો હતો. દરેક વ્યક્તિએ પોતાના ધર્મ અને સમાજ માટે શાંતિથી કામ કરવું જોઈએ. બરેલીની ઘટના અંગે, મેં શાંતિ જાળવવાની અપીલ કરી. હું વહીવટીતંત્રને પણ અપીલ કરું છું કે દબાણમાં આવી નિર્દોષ લોકોની ધરપકડ થાય એવી કોઈ પણ કાર્યવાહી ન કરવી.”
તેમણે કહ્યું કે અમે અમારા મજહબને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો અમે હિન્દુસ્તાનને પ્રેમ કરીએ છીએ. અમે બંધારણ પર વિશ્વાસ કરનારા લોકો છીએ.
દિગ્વિજય સિંહની પ્રતિક્રિયા:
આ વિવાદ મુદ્દે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે કહ્યું, “જો કોઈ ‘આઈ લવ મોહમ્મદ’ બોલે, અથવા ‘આઈ લવ રામજી’, ‘આઈ લવ મહાદેવ’, ‘આઈ લવ કૃષ્ણ’, અથવા ‘આઈ લવ ગાંધીજી’ બોલે તો તેમાં શું વાંધો છે? એમાં કેસ દાખલ કરવાની જરૂર શું છે? રમખાણો સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને સરકાર પર આધાર રાખે છે. જો સરકાર ઈચ્છે તો ક્યારેય રમખાણો ન થઈ શકે.”
બરેલીમાં હિંસા અંગે તેમણે કહ્યું, “હિન્દુઓમાં પણ કેટલાક નફરત ફેલાવતા લોકો છે અને મુસ્લિમોમાં પણ છે. આ લોકો ભડકાઉ ભાષણો આપે છે.”
આ પણ વાંચો…‘આઈ લવ મોદી’ કહે તો સન્માન, પણ ‘આઈ લવ મોહમ્મદ’ કહે તો વિરોધ કેમ? ઓવૈસીનો સવાલ