‘કાંવડિયાઓને આતંકી કહીને બદનામ કરવાનો પ્રયાસ’: કાંવડ યાત્રા અંગે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ…

વારાણસી (ઉત્તર પ્રદેશ): ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર નકલી એકાઉન્ટ બનાવીને કાંવડિયાઓને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમને આતંકવાદી અને બદમાશ પણ કહી રહ્યા છે.
અહીં આદિવાસી ગૌરવ બિરસા મુંડા પર રાષ્ટ્રીય સેમિનારને સંબોધતા મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, “હાલમાં કાંવડ યાત્રા ચાલી રહી છે જેમાં સમાજના શ્રમજીવી વર્ગથી લઈને સમાજના ઉચ્ચ વર્ગ સુધીના દરેક વ્યક્તિ આ અભિયાન સાથે જોડાયેલા છે. આ એકતાનો અદભૂત સંગમ છે જ્યાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી અને દરેક વ્યક્તિ ભક્તિથી ચાલે છે.”
આદિત્યનાથે કહ્યું હતું કે કોઈ ભેદભાવ નથી. કોઈ જાતિનો ભેદ નથી, કોઈ ક્ષેત્રનો ભેદ નથી, કોઈ વર્ગનો ભેદ નથી, કોઈ મતનો ભેદ નથી, કોઈ સંપ્રદાયનો ભેદ નથી. તેઓ ‘હર હર બમ બમ’ ના નારા લગાવે છે. તેઓ 300-400 કિલોમીટર ચાલીને ત્યાંથી પાણી લે છે, કાંવડને પોતાના ખભા પર મૂકીને એ જ ભક્તિભાવથી પરત ફરે છે.
આદિત્યનાથે કહ્યું કે ‘મીડિયા ટ્રાયલ’ ચાલી રહ્યું છે. કાંવડ યાત્રાને બદનામ કરવામાં આવી રહી છે. તેમના વિશે ઘણું લખાયું છે, તેઓ તેમને (કાંવડ યાત્રાળુઓને) તોફાની અને આતંકવાદી કહેવાની પણ હિંમત ધરાવે છે. આ માનસિકતા છે કે તેઓ દરેક રીતે ભારતના વારસાનું અપમાન કરે છે. જાતિ વચ્ચે સંઘર્ષ વધારવા માટે નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ ચલાવવામાં આવી રહ્યા છે અને આરોપ લગાવ્યો કે “ભારતની શ્રદ્ધાનું હંમેશા અપમાન કરનારા” લોકો તેની પાછળ છે.