જમ્મુ કાશ્મીર સરહદ પર પાકિસ્તાનના સતત ડ્રોન એટેક , સીએમ ઓમર અબ્દુલ્લા સ્થિતિની સમીક્ષા કરવા જમ્મુ જશે

નવી દિલ્હી : ભારત પાકિસ્તાન વચ્ચે સતત વધતા તણાવ બાદ પાકિસ્તાને જમ્મુ કાશ્મીર સરહદ પર ડ્રોન અને મિસાઈલ હુમલાઓ કર્યા હતા. જેને ભારતની એર ડિફેન્સ સિસ્ટમે નાકામ બનાવ્યા હતા. તેની બાદ સમગ્ર જમ્મુમાં અંધાર પટ છવાયો હતો. ત્યારે આજે શુક્રવારે સવારે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે જમ્મુ પહોંચશે.
ઓમર અબ્દુલ્લાએ શું કહ્યું?
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સવારે ટ્વિટ કર્યું – “ગઈકાલે રાત્રે જમ્મુ શહેર અને ડિવિઝનના અન્ય ભાગો પર પાકિસ્તાની ડ્રોનના નિષ્ફળ હુમલા પછી પરિસ્થિતિની સમીક્ષા કરવા હું હવે જમ્મુ જઈ રહ્યો છું.”
ભારતે 50 થી વધુ ડ્રોનને સફળતાપૂર્વક તોડી પાડ્યા
ગુરુવારે રાત્રે પાકિસ્તાને નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદો પર અલગ અલગ સ્થળોએ ડ્રોન હુમલાનો પ્રયાસ કર્યો. તેની બાદ ભારતીય સેનાએ ઉધમપુર, સાંબા, જમ્મુ, અખનૂર, નાગરોટા અને પઠાણકોટ વિસ્તારોમાં એક વિશાળ કાઉન્ટર-ડ્રોન ઓપરેશન દરમિયાન 50 થી વધુ ડ્રોનને સફળતાપૂર્વક તોડી પાડ્યા. આ કામગીરીમાં L-70 બંદૂકો, Zu-23 mm બંદૂકો, શિલ્કા સિસ્ટમ્સ અને અન્ય અદ્યતન કાઉન્ટર-UAS સાધનોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાનના ચાર લડાકુ વિમાનોને તોડી પાડ્યા
ભારતે બદલો લેતા પાકિસ્તાનના ચાર લડાકુ વિમાનોને તોડી પાડ્યા. આમાં બે યુએસ-નિર્મિત F-16 અને બે ચીન-નિર્મિત JF-17નો સમાવેશ થાય છે. જેસલમેરમાં તોડી પાડવામાં આવેલા F-16 ના બે પાઇલટ અને અખનુરમાં તોડી પાડવામાં આવેલા બીજા વિમાનને સશસ્ત્ર દળોએ કસ્ટડીમાં લઈ લીધા છે.
આ પણ વાંચો…વિદેશ પ્રધાન જયશંકરે રાજદ્વારી ક્ષેત્રે મોરચો સંભાળ્યો; US-EU અને ઇટાલી સાથે વાત કરી