નેશનલ

ક્રિસમસ પર વોટ્સએપ ગિફ્ટ લિંક ખાલી કરી શકે છે તમારું બેંક એકાઉન્ટ

આખા વિશ્વમાં આજે ક્રિસમસના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવાર પર લોકો એક બીજાને ભેટ સોગાદો આપવા માટે જાણીતો છે. ત્યારે સાયબર ગુનેગારો પણ મોકો શોધીને બેઠા છે. તહેવારોની સિઝનમાં લોકોને આકર્ષક ઓફર્સ અને મોંઘી ભેટના નામે ફસાવવા માટે ઠગ ટોળકીએ જાળ બિછાવી છે. છેલ્લા કેટલાક દિવસોમાં સોશિયલ મીડિયા પર આવા ફેક મેસેજીસનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓએ ‘ક્રિસમસ વોટ્સએપ સ્કેમ’ (Christmas WhatsApp Scam) થી સાવધ રહેવા ચેતવણી જાહેર કરી છે.

નિષ્ણાતોના મતે, છેલ્લા માત્ર બે સપ્તાહમાં ૩૩,૦૦૦થી વધુ ફિશિંગ ઇમેલ અને ફેક હોલિડે એડ્સ પકડાયા છે. સાયબર ઠગ સોશિયલ મીડિયા પર એવી જાહેરાતો ફેલાવી રહ્યા છે જે જોવામાં એકદમ અસલી લાગે છે. આ સ્કેમમાં ગુનેગારો ગિફ્ટ પાર્સલના નામે મેસેજ મોકલે છે અને કહે છે કે તમારા નામે એક સરપ્રાઈઝ ગિફ્ટ આવ્યું છે, જે મેળવવા માટે તમારે આપેલી લિંક પર ક્લિક કરવું પડશે. ગિફ્ટ મેળવવાની લાલચમાં લોકો ઘણીવાર આવી શંકાસ્પદ લિંક્સ પર ક્લિક કરી બેસે છે.

જેવી કોઈ વ્યક્તિ આ ફેક લિંક પર ક્લિક કરે છે, તે લિંક તેમને એક જોખમી વેબ પોર્ટલ પર લઈ જાય છે અથવા ફોનમાં ગુપ્ત રીતે ‘મૅલવેર’ (ખતરનાક સોફ્ટવેર) ઇન્સ્ટોલ કરી દે છે. આ મૅલવેર દ્વારા ઠગ તમારા ફોનનો કંટ્રોલ મેળવી શકે છે અને તમારી સંવેદનશીલ વિગતો જેવી કે ફોટા, કોન્ટેક્ટ્સ અને બેંકની વિગતો ચોરી શકે છે. આ રીતે અજાણ્યા નંબર પરથી આવેલી એક નાની લિંક તમારું આખું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે અને તમને મોટું આર્થિક નુકસાન પહોંચાડી શકે છે.

આવા સાયબર ફ્રોડથી બચવા માટે સૌથી જરૂરી છે કે અજાણ્યા નંબર પરથી આવતા કોઈ પણ મેસેજ કે લિંક પર વિશ્વાસ ન કરવો. ખાસ કરીને જો કોઈ લિંક ક્લિક કરવા માટે ખૂબ દબાણ કરતું હોય અથવા ઉતાવળ બતાવતું હોય, તો તે ચોક્કસપણે સ્કેમ હોઈ શકે છે. આ સિવાય, કોઈપણ સંજોગોમાં તમારા બેંકિંગ આઈડી, પાસવર્ડ કે OTP (વન ટાઈમ પાસવર્ડ) અજાણી વ્યક્તિ સાથે શેર ન કરવા જોઈએ. તમારી ડિજિટલ જાગૃતિ જ તમને આવા ગુનાઓનો શિકાર બનતા બચાવી શકે છે.

યાદ રાખો કે કોઈ પણ પ્રતિષ્ઠિત કંપની તમને વોટ્સએપ પર લોટરી કે મફત ગિફ્ટ માટે લિંક મોકલીને અંગત વિગતો માંગતી નથી. જો તમને આવો કોઈ મેસેજ મળે, તો તેને તુરંત રિપોર્ટ અને બ્લોક કરો. તમારા સ્માર્ટફોનમાં એન્ટિ-વાયરસ સોફ્ટવેર અપડેટ રાખો અને ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરો જેથી તમારું એકાઉન્ટ સુરક્ષિત રહે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button