લાલુ પરિવારના વિવાદ અંગે ચિરાગ પાસવાને કહ્યું: ‘રાજકીય મતભેદ ખરા, પણ હું તેમને પોતાનો માનું છું’

પટનાઃ બિહારમાં રાજકીય ધમાસાણ સાથે લાલુ પરિવાર પણ વિખેરાઈ રહ્યો હોય તેવા સમાચારો મળ્યાં છે. લાલુ પ્રસાદની દીકરી રોહિણી આચાર્યે પરિવાર સાથેનો સંબંધ તોડવા સાથે સાથે રાજનીતિ છોડવાની પણ જાહેરાત કરી હતી. આ મામલે હવે કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાનનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. ચિરાગ પાસવાનનું કહેવું છે કે, ‘હું આ મામલે કોઈ ટિપ્પણી નહીં કરું. કારણ કે, કોઈ પરિવાર પર જ્યારે આવી મુશ્કેલી આવે ત્યારે તેમની માનસિક સ્થિતિ કેવી હોય છે તે હું જાણું છું. હું પણ આવી સ્થિતિમાંથી પસાર થયેલો છું’.
ચિરાગ પાસવાન લાલુ યાદવના પરિવારને પોતાનો માને છે
ચિરાગ પાસવાને લાલુ પરિવાર વિશે વાત કરતા કહ્યું કે, ભલે અમારી વચ્ચે રાજકીય મતભેદ હોઈ શકે છે, પરંતુ હું હંમેશાં લાલુ પ્રસાદ યાદવના પરિવારને પોતાનો માનું છે પછી ભલે તે તેજસ્વી હોય, તેજપ્રતાપ હોય, રોહિણી કે માસી હોય. મેં એ દરેકને પોતાના ભાઈ-બહેન માનતો આવ્યો છું. હું પ્રાર્થના કરું છું કે, આ પરિવારિક સમસ્યાનો સત્વરે ઉકેલ આવી જાય. જો પરિવારમાં એક્તા હોય તો બહારની પરિસ્થિતિઓથી કોઈ પણ વ્યક્તિ લડી શકે છે. લાલુ પરિવાર સ્વાભાવિક રીતે અત્યારે મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યો છે.
આ પણ વાંચો : જેડીયુનો ચિરાગ પાસવાનને વળતો જવાબ, કહ્યું પહેલા આત્મનિરીક્ષણ કરવું જોઈએ
જન સુરાજના પ્રવક્તાને ચિરાગ પાસવાને જવાબ આપ્યો
આ સાથે સાથે ચિરાગ પાસવાને એક બીજો પણ ખુલાસો કર્યો છે. જન સુરાજના પ્રવક્તા પવન વર્માએ આરોપ લગાવ્યો હતો કે, બિહારમાં મહિલાા ખાતામાં 10 હજાર રૂપિયા નાખવામાં આવ્યાં હતાં. આ મુદ્દે ચિરાગ પાસવાને કહ્યું કે તેમને આ જાણકારી ક્યાંથી મળે છે? તેઓ (પવન વર્મા) માત્ર પોકળ દાવાઓ કરી રહ્યાં છે. જો તેમની પાસે કોઈ સાક્ષી, પુરાવા કે, ફેક્ટ છે તો પછી તેને રજૂ કરે તો સરકાર તેનો ચોક્કસથી જવાબ આપશે.
આ પણ વાંચો : મોદીના ‘હનુમાને’ બિહારમાં કરી કમાલઃ ચિરાગ પાસવાનની એલજેપીનું જબરદસ્ત પ્રદર્શન…
લાલુ પરિવારની વાત કરવામાં આવે તો બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ લાલુ પરિવાર હવે વિખેરાઈ રહ્યો હોવાના દાવાઓ પણ કરવામાં આવી રહ્યાં છે, કારણ કે, પહેલા તેજપ્રતાપ યાદવને લાલુ પરિવારે ઘરમાંથી બહાર કાઢ્યો હતો. બાદમાં રોહિણી આચાર્ચે પણ એક્સ પર પોસ્ટ કરીને પરિવાર છોડ્યાની વાત જણાવી હતી. ગઈ કાલે લાલુ પ્રસાદ યાદવની દીકરી રોહિણી આચાર્યે પરિવાર સાથે સંબંધ તોડી દીધો હોવાની જાહેરાત કરી હતી. બિહાર વિધાનસભા ચૂંટણીની હાર લાલુ પરિવાર પચાવી શક્યો નથી તેવું સૂત્રો જણાવી રહ્યાં છે.



