સુવર્ણ મંદિરમાં એર ડિફેન્સ ગન્સ તૈનાત કરવામાં આવી ન હતી! મુખ્ય ગ્રંથીએ ભારતીય સેનાના દાવાને ફગાવ્યા

અમૃતસર: ભારતીય સેનાએ પાકિસ્તાનમાં છુપાયેલા આતંવાદીઓ સામે કરેલા ઓપરેશન સિંદૂર (Operation Sindoor) અને ત્યાર બાદ પાકિસ્તાને ભારત પર કરેલા ડ્રોન હુમલા દરમિયાન ઘણા ફેક ન્યુઝ ફેલાયા હતાં.
એવામાં ભારતીય સેનાના એર ડિફેન્સના ઇન્ચાર્જ લેફ્ટનન્ટ જનરલ સુમેર ઇવાન ડી’કુન્હા(Ivan D’Cunha)એ દાવો કર્યો હતો કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન તરફથી સંભવિત ડ્રોન અને મિસાઇલ હુમલાનો સામનો કરવા માટે અમૃતસરના સુવર્ણ મંદિર સંકુલમાં એર ડિફેન્સ ગન્સ તૈનાત કરવામાં આવી હતી. આજે મંગળવારે સુવર્ણ મંદિરના મુખ્ય ગ્રંથિ (પુજારી) જ્ઞાની રઘબીર સિંહ(Giani Raghbir Singh)એ આ દાવાનું ખંડન કર્યું હતું
સોમવારે એક ન્યુઝ એજન્સી સાથેના ઈન્ટરવ્યું દરમિયાન લેફ્ટનન્ટ જનરલ ડી’કુન્હાએ કહ્યું હતું કે, “સુવર્ણ મંદિરના મુખ્ય ગ્રંથીએ એર ડિફેન્સ ગન્સ તૈનાત કરવાની મંજૂરી આપી હતી, જે ખુબ પ્રસંશનીય બાબત હતી.”
આપણ વાંચો: ઓપરેશન સિંદૂર પર રાજકારણ: ભાજપ આઈટી સેલે રાહુલ ગાંધીને ‘મીર જાફર’ કહેતા કોંગ્રેસ લાલઘૂમ
મુખ્ય ગ્રંથિએ દાવા ફગાવ્યા:
મુખ્ય ગ્રંથિ જ્ઞાની રઘબીર સિંહે આ દાવાને ફગાવી દીધા છે. રઘબીર સિંહે કહ્યું, “સૈન્ય અધિકારીએ મારો સંપર્ક કર્યો ન હતો. મંદિરમાં ગન તૈનાત કરવા અંગે કોઈ વાતચીત કરવામાં આવી નથી.
શ્રી દરબાર સાહિબમાં આવી કોઈ ઘટના બની નથી. હું 22 દિવસ માટે અમેરિકામાં રજા પર હતો. હું 24 એપ્રિલે ગયો હતો અને 14 મેના રોજ પાછો ફર્યો હતો. મારા ગયા પછી સંઘર્ષ શરૂ થયો હતો અને હું પાછો ફર્યો તે પહેલાં જ ઘર્ષણ સમાપ્ત થઈ ગયું હતું. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ(SGPC)એ સેનાના દાવાઓની તપાસ કરવી જોઈએ અને જો કોઈ SGPC સભ્ય આ બાબતમાં સંડોવાયેલો જોવા મળે તો વિભાગીય કાર્યવાહી કરવી જોઈએ.”
અમૃતસરમાં મીડિયા સાથે વાતચીત કરતા અકાલ તખ્તના ભૂતપૂર્વ જથેદાર જ્ઞાની રઘબીર સિંહે કહ્યું: “શ્રી હરમંદિર સાહિબમાં બ્લેકઆઉટ લાગુ કરવામાં SGPC એ સરકારને સહકાર આપ્યો હતો, પરંતુ આવા દાવાઓ ખોટા છે.”
આપણ વાંચો: ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાત આવશે વડા પ્રધાન મોદી, આવો છે કાર્યક્રમ
સેનાના દાવા સામે પ્રશ્ન:
શ્રી હરમંદિર સાહિબના અધિક મુખ્ય ગ્રંથી જ્ઞાની અમરજીત સિંહે SGPC દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે સેનાને શ્રી હરમંદિર સાહિબમાં હવાઈ સંરક્ષણ બંદૂકો તૈનાત કરવાની મંજૂરી આપવામાં આવી હતી એવા દાવા ખોટા છે.
આવી કોઈ પરવાનગી આપવામાં આવી ન હતી. જ્ઞાની અમરજીત સિંહે સેના અધિકારીના નિવેદનના આધાર પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ફક્ત અધિકારી જ કહી શકે છે કે તેમણે આ દાવો કેમ કર્યો.
SGPC પ્રમુખ હરજિન્દર સિંહ ધામીએ કહ્યું જો આવી કોઈ તૈનાતી થઇ હોત હોત, તો મંદિરમાં હાજર ભક્તોની નજરમાં આવી હતી. ભારત સરકારે સ્પષ્ટ કરવું જોઈએ કે સૈન્ય અધિકારીઓ આવા નિવેદનો કેમ આપી રહ્યા છે.
આપણ વાંચો: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરનો વધુ એક વીડિયો શેર કર્યો, જુઓ સેનાનું શૌર્ય અને સાહસ…
લેફ્ટનન્ટ જનરલ ડી’કુન્હાએ શું કહ્યું હતું:
એક ઈન્ટરવ્યું દરમિયાન લેફ્ટનન્ટ જનરલ ડી’કુન્હાએ કહ્યું કે ખતરાની ગંભીરતા વિશે માહિતી આપવામાં આવ્યા બાદ મંદિરના અધિકારી તરફથી અભૂતપૂર્વ સહયોગ આપવામાં આવ્યો હતો. જેના પછી ભારતીય સેનાની એર ડિફેન્સ ગન્સ તૈનાત કરવામાં આવી.
મેજર જનરલ કાર્તિક સી શેષાદ્રીએ પણ આપ્યું હતું નિવેદન:
તેમના પહેલા, 15 ઇન્ફન્ટ્રી ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) મેજર જનરલ કાર્તિક સી શેષાદ્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની દળોએ સુવર્ણ મંદિરને મિસાઇલો અને ડ્રોનથી નિશાન બનાવ્યું હતું અને ભારતની એર ડિફેન્સ સિસ્ટમે હુમલાને સફળતાપૂર્વક અટકાવ્યા અને નાશ કર્યો.
હવે મંદિરના મુખ્ય ગ્રંથી અને SGPCના નિવેદન બાદ સેનાના દાવા અંગે વિવાદ ઉભો થયો છે.