
નવી દિલ્હીઃ ભાજપે કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમના નિવેદન પર કટાક્ષ કર્યો હતો. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ચિદમ્બરમે કહ્યું હતું કે તેમને વિશ્વાસ નથી કે વિપક્ષી ગઠબંધન એક છે. ચિદમ્બરમે કહ્યું હતું કે મૃત્યુંજય સિંહ યાદવ કહે છે તેટલું ગઠબંધનનું ભવિષ્ય ઉજ્જવળ નથી. પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિદમ્બરમના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું કે કોંગ્રેસનું પણ કોઈ ભવિષ્ય નથી.
શુક્રવારે ભાજપના નેતાએ પી ચિદમ્બરમની ગઠબંધનની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાહુલ ગાંધીના નજીકના સાથીઓ પણ જાણે છે કે પાર્ટીનું કોઈ ભવિષ્ય નથી.
આપણ વાંચો: પી ચિદમ્બરમે પીએમ મોદીની યુદ્ધનીતિની કરી પ્રશંસા, કહ્યું- ભારતનો જવાબ એક સંદેશ છે
ગુરુવારે પી ચિદમ્બરમે ઇન્ડિ બ્લોક પર ચિંતા વ્યક્ત કર્યા બાદ પ્રદીપ ભંડારીએ આ નિવેદન આપ્યું હતું. તેમણે એક્સ પોસ્ટમાં કહ્યું કે કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે આગાહી કરી છે કે ભવિષ્યમાં વિપક્ષ ટકી શકશે નહીં, ભાજપ એક મજબૂત સંગઠન છે.
સલમાન ખુર્શીદ અને મૃત્યુંજય સિંહ યાદવ દ્વારા લખવામાં આવેલા પુસ્તક કન્ટેસ્ટિંગ ડેમોક્રેટિક ડેફિસિટના વિમોચન પ્રસંગે બોલતા પી ચિદમ્બરમે ગુરુવારે કહ્યું હતું કે ઇન્ડિ બ્લોકનું ભવિષ્ય મૃત્યુંજય સિંહ યાદવે કહ્યું છે તેટલું ઉજ્જવળ નથી. તેઓ માને છે કે ગઠબંધન હજુ પણ અકબંધ છે, પણ મને ખાતરી નથી. આનો જવાબ ફક્ત સલમાન ખુર્શીદ જ આપી શકે છે. કારણ કે તે ઇન્ડિ બ્લોક માટે વાટાઘાટ ટીમનો ભાગ હતા.