ચૂંટણી ભલે ગંદી રાજરમત બની ગઈ હોય, પણ બિહારનો આ કોમન મેન 20 વર્ષથી ઝંપલાવે છે

પટના: ચૂંટણી એક રાજનૈતિક રમત છે. જેમાં પણ હાર-જીત થતી રહે છે. ચૂંટણીમાં હારવા છતાંય ફરીથી લડવાની હિંમત ન હારવી એ રાજનેતાઓ પાસેથી શીખવા જેવી બાબત છે. બિહારમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે બિહારમાં એક વ્યક્તિ એવી છે જે છેલ્લા 20 વર્ષથી વિધાનસભાની દરેક ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવે છે. આ વ્યક્તિ કોણ છે, આવો જાણીએ.
23 વર્ષે પહેલી વખતું ભર્યું ચૂંટણીનું ફોર્મ
બિહારના કિશનગંજ જિલ્લાનો રહેવાસી છોટાલાલ મહતો ગેસ સિલિન્ડરની ડિલીવરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ ગેસ સિલિન્ડરની ડિલીવરીનું કામ કરતા આ વ્યક્તિમાં ચૂંટણી લડવાની ધગશ છે. જેથી તે બિહાર વિધાનસભાની દરેક ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવે છે. છોટાલાલ મહતોએ ચૂંટણી લડવાની શરૂઆત 25 વર્ષ પહેલા કરી હતી.
વર્ષ 2000માં છોટાલાલે પહેલીવાર વિધાનસભાની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જોકે, તે સમયે છોટાલાલની ઉંમર 23 વર્ષ હતી. જેથી ચૂંટણી પંચ દ્વારા તેની ઉમેદવારી રદ્દ કરવામાં આવી હતી. ત્યારથી ચૂંટણી લડવાલાયક ઉંમર થયા બાદ છોટાલાલ નિયમિતપણે લોકસભા, વિધાનસભા તથા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતો રહ્યો છે. જોકે, હજુ સુધી તેને એકપણ ચૂંટણીમાં જીત મળી નથી. પરંતુ છોટાલાલે હજુ સુધી આત્મવિશ્વાસ ગુમાવ્યો નથી. આ વર્ષે પણ છોટાલાલ મહતોએ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની તૈયારી કરી લીધી છે.

મેં ક્યારેય હાર માની નથી
મીડિયા સાથે વાત કરતા છોટાલાલ મહતોએ જણાવ્યું કે, “હું 2004થી સતત ચૂંટણી લડી રહ્યો છું. જોકે, જીત નથી મળી પરંતુ મેં ક્યારેય હાર માની નથી. આ વખતે પણ હું અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ. પ્રજા ઘણી મદદ કરે છે અને દાન આપીને મને ચૂંટણી લડવા માટે મોકલે છે. હું લોકોના ઘરે ગેસ સિલિન્ડર પહોંચાડું છું. લોકો મારા જેવો નેતા ઇચ્છે છે. મને આશા છે કે, આ વખતે સફળતા અવશ્ય મળશે. પ્રજા પોતાના મતથી જીત નિશ્ચિંત કરશે.” છોટાલાલ મહોતો અત્યારસુધી સીમાંચલના ગાંધી તરીકે ઓળખાતા સ્વર્ગીય તસલીમુદ્દીન તથા પૂર્વ કેન્દ્રીય પ્રધાન સૈય્યદ શાહનવાઝ હુસૈન સહિતના અનેક દિગ્ગજ નેતાઓ વિરૂદ્ધ ચૂંટણી લડી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગેસ સિલિન્ડરની ડિલીવરીના કામની સાથોસાથ છોટાલાલ મહતો જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે પણ તત્પર રહે છે. તેમના આ સેવાકાર્યને લઈને લોકોએ તેમને ચૂંટણી લડવાની પ્રેરણા આપી હતી. “જો હું ચૂંટણી જીતીશ તો ગરીબોના આંસુ લૂંછવાની સાથોસાથ હું વિકાસ અને રોજગારના ક્ષેત્રમાં પણ કામગીરી કરીશ” એવું છોટાલાલ કહે છે. ચૂંટણી લડવાના આ અભિયાનમાં છોટાલાલને તેમની પત્નીનો પણ સાથ મળે છે. છોટાલાલની પત્ની પણ બકરી, મરઘી અને ઇંડા વેચીને રૂપિયા ભેગા કરીને ઘર ચલાવવામાં પોતાનો ફાળો આપે છે. તેઓ માને છે કે, છોટાલાલ સામાજિક કાર્યમાં અગ્રેસર રહીને લોકોના સુખ-દુ:ખમાં સહભાગી બને છે. તેથી તેમને આશા છે કે, આ વખતે જનતા તેમને અવશ્ય જીતાડશે.