પતિ 'બેકાર' હોય તો અપમાન કરી શકાય? છત્તીસગઢ હાઈ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો જાણો...
નેશનલ

પતિ ‘બેકાર’ હોય તો અપમાન કરી શકાય? છત્તીસગઢ હાઈ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો જાણો…

બિલાસપુર: સાસરિયા વહુને મહેણાંટોણા મારે એવા કિસ્સા તો તમે ઘણા સાંભળ્યા હશે, પરંતુ છત્તીસગઢમાં પત્નીએ પતિને મહેણાંટોણા મારીને પરેશાન કરી દીધો હોવાની ઘટના જાણવા મળી છે. આવા જ એક ફેમિલી કિસ્સામાં છત્તીસગઢ હાઈ કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

પત્ની પતિને શું કહેતી હતી?
ભિલાઈનો રહેવાસી અનિલ વ્યવસાયે વકીલનું કામ કરતો હતો. 26 ડિસેમ્બર 1996ના રોજ અનિલના એક યુવતિ સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ તેઓને એક છોકરો અને એક છોકરી એમ બે સંતાન પણ થયા હતા. લગ્ન બાદ અનિલની પત્નીએ પીએચડી કરીને પ્રિન્સિપાલ તરીકે નોકરી મેળવી હતી. ત્યાર બાદ પત્નીનો વહેવાર બદલાઈ ગયો હતો.

કોરોનાકાળ દરમિયાન કોર્ટ બંધ થતા અનિલને ઘરે બેસવાની નોબત આવી હતી. ત્યારે પત્નીએ તેને બેરોજગાર કહીને મહેણાંટોણા મારવાનું શરૂ કર્યું હતું. ઓગસ્ટ 2020માં પત્નીએ અનિલ સાથે ઝઘડો કર્યો હતો અને દીકરીને લઈને પોતાની બહેનના ઘરે ચાલી ગઈ હતી.

થોડા દિવસો બાદ તે પાછી આવી ગઈ હતી, પરંતુ ત્યાર બાદ 16 સપ્ટેમ્બર 2020ના રોજ તે ફરી ઘર છોડીને ચાલી ગઈ હતી. તેણે ઘરમાં એક લેટર પણ છોડ્યો હતો, જેમાં લખેલું હતું કે, હું મારી મરજીથી પતિ અને દીકરા સાથેના તમામ સંબંધો તોડીને જઈ રહી છું.

ઘરે આવવા રાજી ન થઈ અનિલની પત્ની
અનિલે પત્નીને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો.પરંતુ તે ઘરે પાછા આવવા માટે રાજી થઈ ન હતી. આખરે અનિલે દુર્ગ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. જેમાં અનિલે જણાવ્યું હતું કે, પત્ની જ્યારે ઘરમાં રહેતી હતી, ત્યારે મને ગાળો, મહેણાંટોણા મારતી અને અપમાનજનક શબ્દો બોલતી હતી.

પત્નીએ કોઈ કારણ વગર જાણીજોઈને ઘર છોડી દીધું છે. ઘણીવાર મનાવવાના પ્રયાસો કરવા છતાં પણ તે ઘરે પાછી આવવા રાજી થઈ નથી. તેણે દીકરાને મારી પાસે છોડી દીધો છે અને દીકરીને પોતાની સાથે લઈ ગઈ છે.

હાઈ કોર્ટે સંભળાવ્યો મહત્ત્વપૂર્ણ ચુકાદો
જોકે, ઓક્ટોબર 2023માં દુર્ગ ફેમિલી કોર્ટે અનિલની અરજીને ફગાવી દીધી હતી, જેથી અનિલે છત્તીસગઢ હાઈ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હાઈ કોર્ટે સમન મોકલ્યા છતા પત્ની કોર્ટમાં હાજર રહી ન હતી.

તેથી હાઈ કોર્ટે પતિ અને સાક્ષીઓના નિવેદન, પત્નીનો લેટર અને અન્ય દસ્તાવેજોના આધારે ફેમિલી કોર્ટના નિર્ણયને રદ્દ કર્યો હતો અને કહ્યું હતું કે, પત્નીએ કોઈ યોગ્ય કારણ વગર પતિને છોડી દીધો છે. તેના વ્યવહારથી માનસિક ક્રૂરતા પૂરવાર થાય છે. આ સાથે છત્તીસગઢ હાઈ કોર્ટે અનિલના છૂટાછેડાની અરજી પણ સ્વીકારી લીધી હતી.

આ પણ વાંચો…પત્નીને ‘નોરા ફતેહી’ જેવી બનાવવા પતિનું ગાંડપણ! આખરે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button