ચારૂસેટના 15મા પદવીદાન સમારંભમાં 2794 વિદ્યાર્થીઓને પદવી એનાયત, અમિત શાહનું ‘વિકસિત ભારત 2047’ પ્રવચન

ચાંગા: નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સીલ (NAAC) દ્વારા “A+” ગ્રેડ તેમજ ગુજરાત સરકાર દ્વારા પ્રાપ્ત ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ ગુજરાતની ખ્યાતનામ પ્રાઈવેટ યુનિવર્સિટી ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ-CHARUSAT) ચાંગાનો 15મો પદવીદાન સમારંભ 13 જાન્યુઆરીએ ચારૂસેટ કેમ્પસમાં યોજાયો હતો.
આ સમારંભના મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકાર પ્રધાન અમિત શાહે દિક્ષાંત પ્રવચન આપ્યું હતું. અધ્યક્ષસ્થાને ચારૂસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા..
આપણ વાચો: કેરળમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે રાજકારણ ગરમાયુ, અમિત શાહે વિજયન સરકાર પ્રહાર કર્યા
2794 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી
આ પદવીદાન સમારંભમાં કુલ 1076 વિદ્યાર્થિનીઓ અને 1718 વિદ્યાર્થીઓ સહિત કુલ 2794 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. વિવિધ વિદ્યાશાખાઓમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને 45 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં 28 વિદ્યાર્થિનીઓ અને 14 વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. જ્યારે 19 વિદ્યાર્થિનીઓ અને 19 વિદ્યાર્થીઓ સહિત કુલ 38 વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
કુલ 38 વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી એનાયત થઈ
આ પદવીદાન સમારંભ અંતર્ગત ચારૂસેટની ફેકલ્ટી ઓફ ફાર્મસીના 173, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના 429, ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સના 183, ફેકલ્ટી ઓફ સાયન્સના 197, ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સમાં કુલ 692, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગની વિવિધ વિદ્યાશાખાઓના 1120 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. જેમાં 2018 અંડર ગ્રેજયુએટ, 713 પોસ્ટ ગ્રેજયુએટ, 25 પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા અને 38 પી. એચ. ડી. વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો.

આપણ વાચો: બંગાળમાં ‘ટોલ સિન્ડિકેટ’ અને ઘૂસણખોરીના દિવસો હવે ગણતરીના: અમિત શાહે TMC ને ફેંક્યો પડકાર
અમિત શાહે લક્ષ્ય વિનાના જીવનને અર્થહીન ગણાવ્યું
મુખ્ય મહેમાન અમિત શાહે દિક્ષાંત પ્રવચન આપતા જણાવ્યું હતું કે, લક્ષ્ય વિનાનું જીવન અર્થહીન છે અને સાચી સફળતા હંમેશા સ્પષ્ટ લક્ષ્ય સાથે જ પ્રાપ્ત થાય છે. તેમણે વિદ્યાર્થીઓને સ્પષ્ટ તથા મહત્ત્વાકાંક્ષી લક્ષ્યો નક્કી કરવા માટે આહ્વાન કર્યું અને વ્યક્તિગત તથા વ્યાવસાયિક જીવનમાં ઊંચા ધ્યેય સાથે આગળ વધવાની મહત્વતા પર ભાર મૂક્યો.
દેશ હાલ પરિવર્તનની એક મહત્વપૂર્ણ અવસ્થામાંથી પસાર થઈ રહ્યો હોવાનું જણાવતાં તેમણે ‘વિકસિત ભારત ૨૦૪૭’ના વિઝન અંગે વાત કરી અને યુવાનો માટે ઉપલબ્ધ વિશાળ તકો પર પ્રકાશ પાડ્યો હતો.
તેમણે સ્નાતક વિદ્યાર્થીઓને આ તકોનો પૂરતો લાભ લેવા, રાષ્ટ્રનિર્માણમાં અર્થપૂર્ણ યોગદાન આપવા અને દૃઢ સંકલ્પ, મૂલ્યો તથા નવીનતાની ભાવના સાથે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતાં. આ ઉપરાંત, શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે ડિગ્રી તથા પદકો અર્પણ કરીને તેમની શૈક્ષણિક સિદ્ધિઓને સન્માનિત કર્યા હતાં.
દીક્ષાંત શોભાયાત્રામાં અનેક મહાનુભાવો સામેલ થયાં
આ પ્રસંગે ચારૂસેટના રજીસ્ટ્રાર રજીસ્ટ્રાર ડો. બિનીત પટેલની આગેવાની હેઠળ દીક્ષાંત શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં મુખ્ય અતિથિ અમિત શાહ, ચારૂસેટ અને શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલ, માતૃસંસ્થા, કેળવણી મંડળ તેમજ સીએચઆરએફના માનાર્હ મંત્રી ડો.એમ.સી પટેલ, માતૃસંસ્થાના પ્રમુખ કિરણ પટેલ, ચારૂસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ અને સોજીત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ, ગવર્નીંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, ટ્રસ્ટીઓ, પદાધિકારીઓ તેમજ વિવિધ વિદ્યાશાખાઓના ડીન, વિવિધ કોલેજોના પ્રિન્સીપાલો જોડાયા હતા. આ ભવ્ય શોભાયાત્રાનું શામિયાણાના મુખ્ય મંચ ખાતે સમાપન થયું હતું.



