યુવતી સાથે લગ્ન કરવા જેન્ડર ચેન્જ કર્યું, પછી જીવતી બાળી નાખી

ચેન્નઇ: એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિએ એક મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે. 25 વર્ષની આ મહિલા સોફ્ટવેર એન્જિનિયરની નોકરી કરતી હતી. બંને એકબીજાને નાનપણથી જ ઓળખતા હતા. પોલીસે આરોપી ટ્રાન્સજેન્ડરની ધરપકડ કરી તેને જેલહવાલે કરી દીધો છે.
પોલીસે ‘વેટ્રીમારન’ નામથી આરોપીની ઓળખ કરી છે અને વિગતો બહાર આવી છે કે તે પહેલા સ્ત્રી હતો, પરંતુ તેણે લિંગપરિવર્તન કરાવી સ્ત્રીમાંથી પુરુષ બન્યો હતો. તેનું પૂર્વ નામ પંડી મહેશ્વરી હતું. જે મહિલાની તેણે હત્યા કરી તે આર. નંદિનીને તે શાળાના સમયથી જાણતો હતો.
તેણે આર. નંદિનીને તેના જન્મદિવસ નિમિત્તે સરપ્રાઇઝ આપવાની વાત કરીને મળવા બોલાવી હતી. તેની આંખો પર પટ્ટી બાંધી હતી, તે પછી ધીમેધીમે તેને સાંકળોમાં બાંધીને આગ ચાંપી દીધી હતી. સાંકળોમાં જકડાયેલી હોવાને કારણે તે બચવાના પ્રયાસો ન કરી શકી અને જીવતી આગમાં ભુંજાઇ ગઇ હતી.
પીડિતા મદુરાઇમાં સોફટવેર એન્જિનીયર તરીકે કામ કરતી હતી અને તેના સગાવ્હાલાને ત્યાં રહેતી હતી. વેટ્રિમારનને નાનપણથી ઓળખતી હોવાને કારણે જ્યારે તેણે તેને મળવા બોલાવી ત્યારે તેને મનમાં કોઇ શંકા થઇ નહોતી. 26 વર્ષીય પંડી મહેશ્વરીમાંથી વેટ્રીમારન બન્યા બાદ પણ નંદિનીએ તેની સાથે મિત્રતા યથાવત રાખી હતી, બંનેએ એક કંપનીમાં સાથે કામ પણ કર્યું હતું.