પ્રયાગરાજમાં ચંદ્રશેખરનું હાઉસ એરેસ્ટ, સમર્થકોનો ઉગ્ર વિરોધ પ્રદર્શન, 15 લોકો ઘાયલ | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝનેશનલ

પ્રયાગરાજમાં ચંદ્રશેખરનું હાઉસ એરેસ્ટ, સમર્થકોનો ઉગ્ર વિરોધ પ્રદર્શન, 15 લોકો ઘાયલ

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને લોકસભા સાંસદ ચંદ્રશેખર આઝાદને રવિવારે હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. તેઓ કૌશામ્બી અને કરછનામાં તાજેતરમાં બનેલી ઘટનાના પીડિત પરિવારોને મળવા જઈ રહ્યા હતા. આ ઘટનાએ રાજકીય વિવાદને જન્મ આપ્યો, જેના કારણે તેમના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો. આ ઘટનાએ પ્રયાગરાજમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જી, જેની અસર સ્થાનિક વિસ્તારોમાં પણ જોવા મળી.

ચંદ્રશેખર આઝાદને હાઉસ અરેસ્ટ કરવામાં આવતાં તેમણે સર્કિટ હાઉસમાં જ ધરણાં શરૂ કર્યા. આ દરમિયાન, તેમના લગભગ 5000 સમર્થકોએ કરછના વિસ્તારમાં રસ્તા પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. આ વિરોધ દરમિયાન સમર્થકોએ પોલીસની ગાડીઓ અને બસ પર પથ્થરમારો કર્યો, જેમાં આઠ પોલીસ વાહનો અને સાત ખાનગી ગાડીઓને નુકસાન થયું. ભદેવરા બજારમાં ઈંટ-પથ્થરોનો મારો ચાલ્યો, જેના કારણે નાસભાગ થઈ હતી. આ નાસભાગમાં મહિલાઓ અને બાળોક સહિત 15 લોકો ઘાયલ થયા હતા.

આ તોફાન દરમિયાન, કેટલીક દુકાનોના કાચ તોડવામાં આવ્યા, જેમાં દુકાનદારોએ આરોપ લગાવ્યો કે સવર્ણ સમાજની દુકાનોને નિશાન બનાવવામાં આવી. પોલીસે લાઠીચાર્જ કરીને ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સમર્થકો શાંત થવા તૈયાર ન હતા. સ્થિતિને કાબૂમાં લેવા માટે નૈની, કરછના, ઘૂરપુર, કૌંધિયારા અને અન્ય પોલીસ સ્ટેશનની ટીમો ઉપરાંત પીએસી અને આરએએફને પણ બોલાવવામાં આવ્યા. પોલીસે ભીમ આર્મીના 20થી વધુ કાર્યકર્તાઓની ધરપકડ કરી.

યમુનાનગરના પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ચંદ્રશેખરના આગમનને લઈને ગામમાં લોકો એકઠા થયા હતા, જે બાદ અસામાજીક તત્વોએ પોલીસ પર પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ કરી. હવે સ્થિતિ નિયંત્રણમાં છે, અને લુખા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત સીસીટીવી ફૂટેજથી અન્ય લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. તેમની સામે પણ એનએસએ અને ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button