વિવાદાસ્પદ પૂર્વ IAS ટ્રેઈની પૂજા ખેડકર સામે કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી
નવી દિલ્હીઃ બરતરફ કરવામાં આવેલા આઈએએસ પૂજા ખેડકરની સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે આઈએએસ નિયમ, 1954ના નિયમ બાર અન્વયે પૂજા ખેડકરને તાત્કાલિક ધોરણે ઈન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ (આઈએએસ)માંથી બરતરફ કરવામાં આવી છે.
પૂજા ખેડકરની સામે આઈએએસ (પ્રોબેશન) નિયમ 1995 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. આ અગાઉ યુપીએસસી (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) અને દિલ્હી પોલીસે પૂજા ખેડકરની આગોતરા જામીન અરજીનો પણ વિરોધ કર્યો હતો.
યુપીએસસી અને દિલ્હી પોલીસે અગાઉ કોર્ટમાં કહ્યું હતું કે પૂજા ખેડકરે ફક્ત પંચ સાથે જ નહીં, પરંતુ જાહેર જનતાને દગો આપ્યો છે, કારણ કે 2020 પછીના તમામ પ્રયાસો પૂરા થયા પછી 2021માં સિવિલ સર્વિસીસ પરીક્ષામાં બેસવા માટે અયોગ્ય હતી. ગેરરીતિ અને ખોટી રીતે ઓબીસી અને દિવ્યાંગ ક્વોટાનો ફાયદો ઉઠાવીને આરોપી પૂજા ખેડકરને જામીન પર છે.
આપણ વાંચો: પૂજા ખેડકરના વિવાદ પછી IAS અધિકારીઓ પર પસ્તાળઃ ગુજરાતમાં રી-મેડિકલ ટેસ્ટના અપાયા આદેશ
પૂજા ખેડકર પર ઓબીસી અનામત અને દિવ્યાંગ ક્વોટાનો લાભ લઈને યુપીએસસીની પરીક્ષા આપી હોવાનો આરોપ છે. એટલું જ નહીં, તમામ પત્રો પણ બનાવટી રીતે બનાવ્યા હતા. દિલ્હી પોલીસે પૂજા ખેડકર પર ખોટી રીતે સિવિલ સર્વિસીસની પરીક્ષા પાસ કરવા અંગે ગુનો પણ નોંધ્યો હતો. આ અગાઉ કોર્ટે એ તમામ વાત પર ભાર મૂક્યો છે, જેમાં કોર્ટે તમામ દસ્તાવેજની ચકાસણી કરવાનો પણ આદેશ આપ્યો છે.
યુપીએસસીએ 31 જુલાઈના પૂજા ખેડકરની ઉમેદવારી રદ કરી હતી અને ભવિષ્યની તમામ પરીક્ષા આપવામાંથી બાકાત કરી હતી. આ અગાઉ પૂજા ખેડકરે કોર્ટમાં કહ્યું હતું કે તે એમ્સની હોસ્પિટલમાં શારીરિક વિકલાંગની તપાસ કરાવવા માટે તૈયાર છે.