પૂજા ખેડકરે ખટખટાવ્યો હાઇ કોર્ટનો દરવાજો, UPSC ઉમેદવારી રદ કરવા સામે રિટ પિટિશન કરી દાખલ
નવી દિલ્હીઃ સસ્પેન્ડેડ IAS ઓફિસર પૂજા ખેડકરે ફરી એકવાર હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે. પૂજા ખેડકરે UPSCની ઉમેદવારી રદ કરવા સામે હાઇકોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં જે સંસ્થાઓ વતી પૂજા ખેડકરને નોટિસ ફટકારવામાં આવી હતી, તેમને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. અરજીમાં પૂજા ખેડકરે UPSC, DOPT,Labasana પુણેના કલેક્ટર અને મહારાષ્ટ્રના મુખ્ય સચિવને પક્ષકાર બનાવ્યા છે. આ બધાએ પૂજા ખેડકરને કારણદર્શક નોટિસ ફટકારી હતી.
પૂજા ખેડકરને હાઇકોર્ટ તરફથી પણ મોટો ઝટકો લાગ્યો હતો. હાઇકોર્ટે તેની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. પૂજા ખેડકરને UPSCના નિયમોનું ઉલંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવી છે. ત્યારબાદ તેની તાલીમાર્થી IAS અધિકારી તરીકેની પસંદગી પણ રદ કરવામાં આવી છે. એટલું જ નહીં તેના પર ભવિષ્યમાં UPSCની કોઈપણ પરીક્ષામાં બેસવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પૂજા ખેડકરની માતા વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે. એક ખેડૂતને ધમકી આપવા બદલ તેની માતાની ધરપકડ કરવામાં આવી હતી. UPSCનું કહેવું છે કે પૂજા ખેડકરે માત્ર તેનું નામ જ નહીં, પરંતુ તેના માતા પિતાનું નામ પણ બદલી નાખ્યું હતું. આ ઉપરાંત તેણે ફોટોગ્રાફ સહિત ઇ-મેલ આઇડી, મોબાઈલ નંબર અને સરનામું બધું જ બદલીને નકલી ઓળખ બનાવીને પરીક્ષાના નિયમો હેઠળ માન્ય મર્યાદાથી વધુના પ્રયાસો કરીને છેતરપિંડી કરી હતી. દિલ્હી પોલીસ પણ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પોલીસે મહારાષ્ટ્ર સરકાર મસૂરીની IAS ટ્રેનિંગ એકેડેમી અને દિલ્હી AIIMS પાસેથી છેતરપિંડી અને બનાવટના કેસમાં પૂજા ખેડકર અંગે માહિતી માંગી છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ખેડકર પર અન્ય પછાત વર્ગ (OBC) અને વિકલાંગ વ્યક્તિઓના ક્વોટાનો લાભ લઈને સિવિલ સર્વિસ પરીક્ષામાં ખોટી રીતે ઉમેદવારી નોંધાવવાનો આરોપ મૂક્યો હતો.
UPSCએ પૂજા ખેડકર સામે બનાવટ અને છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 318, કલમ 336 અને કલમ 340 અંતર્ગત તેની સામે કાર્યવાહી થઈ શકે છે અને તેને સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. કલમ 340માં તો10 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે.