‘કેન્દ્રીય એજન્સીઓ અમારા નેતાઓના ફોન ટેપ કરી રહી છે’ DMKએ ECને ફરિયાદ કરી
ચેન્નઈ: લોકસભા ચૂંટણી 2024 માટેના પહેલા તબક્કાના મતદાન પહેલા તમિલનાડુની દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)પાર્ટીએ કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. DMKએ રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર સમક્ષ ફરિયાદ દાખલ કરી છે જેમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓ લોકસભાના ઉમેદવારો સહિત પક્ષના નેતાઓ ઉપરાંત તેમના મિત્રો અને સંબંધીઓ ફોન ટેપ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
DMK નેતા આર એસ ભારતીએ રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે “અમને લાગે છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન, આવકવેરા વિભાગ અને કેન્દ્ર સરકાર હેઠળની અન્ય એજન્સીઓ ઉમેદવારો, અમારા અગ્રણી નેતાઓ, તેમના મિત્રો અને નજીકના સંબંધીઓના ટેલિફોન ગેરકાયદેસર રીતે ટેપ કરી રહી છે. આ એજન્સીઓએ પેગાસસ જેવા સોફ્ટવેરનો ઉપયોગ ભાજપના રાજકીય વિરોધીઓ સામે કરી રહી છે.”
આરએસ ભારતીએ કહ્યું કે તપાસ એજન્સીઓ ચૂંટણી પ્રચારમાં “નોન-લેવલ પ્લેઇંગ ફિલ્ડ” બનાવવા માટે ફોન ટેપ કરવા માટે ગેરકાયદે સોફ્ટવેરનો ઉપયોગ કરી રહી છે. ભારતીએ ભારતના ચૂંટણી પંચને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને કેન્દ્ર સરકારની લોકશાહી વિરોધી પ્રવૃતિઓની તપાસનો આદેશ આપવા અને મુક્ત અને ન્યાયીક ચૂંટણી સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે.
એક તરફ DMK ભાજપ પર આરોપો લગાવી રહી છે, તો બીજી તરફ તમિલનાડુમાં વિપક્ષ ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ(AIDMK)એ એમ કે સ્ટાલિનની આગેવાની હેઠળની DMK સરકાર પર તેની પાર્ટીના નેતાઓના ફોન ગેરકાયદેસર રીતે ટેપ કરવાનો આરોપ લગાવ્યો છે.