નેશનલ

મોદી સરકાર મનરેગા યોજના રદ કરશે! આ નવું બિલ રજુ કરશે, રાજ્યોની ચિંતા વધશે

નવી દિલ્હી: થોડા દિવસો પહેલા અહેવાલ હતાં કે મોદી સરકાર ભારતની મહત્વપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA) 2005નું નામ બદલીને ‘પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના’ રાખવાનું વિચારી રહી છે, હવે અહેવાલ છે કે મનરેગા યોજનાને રદ જ કરવામાં આવી શકે છે. તેને બદલે સરકાર વિકસિત ભારત-ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) VB-G RAM G BILL, 2025 રજુ કરી શકે છે.

અહેવાલ મુજબ નવા બિલમાં કામકાજના દિવસોની સંખ્યા 100 થી વધારીને 125 કરવામાં આવશે. રાજ્યો પર નાણાકીય બોજ વધી શકે છે, નવા કાયદા દ્વારા હાલના કાયદાના માંગ-આધારિત માળખાને રદ કરવામાં આવશે. નવા બિલથી કેન્દ્રની પકડ વધશે. આ બિલ રજુ કરવામાં અવે ત્યારે સંસદના ગૃહોમાં હોબાળો મચી શકે છે.

નવા કાયદાની જરૂર કેમ?

સરકાર હાલ ચાલી રહેલા સંસદના શિયાળુ સત્ર દરમિયાન VB-G RAM G BILL રજુ કરી શકે છે. સરકારે આજે સોમવારે આ બિલની નકલો સંસદસભ્યોને મોકલી હતી. સંસદસભ્યોને જણાવવામાં આવ્યું કે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર જાહેર કરવના ઉદ્દેશ્ય સાથે ગ્રામીણ વિકાસ માળખું વિકસાવવા માટે આ નવા કાયદાની જરૂર છે. સરકારે જણાવ્યું કે ગ્રામીણ ભારતમાં નોંધપાત્ર સામાજિક-આર્થિક પરિવર્તનને ધ્યાનમાં રાખીને મનરેગાને બદલવાની જરૂર છે.

રાજ્યો પર આર્થિક બોજ વધશે:

હાલની મનરેગા હેઠળ, આપવામાં આવતું વેતન સંપૂર્ણપણે કેન્દ્ર દ્વારા આપવામાં આવે છે, રાજ્યો માળખાગત સુવિધાઓ પૂરી પડે છે અને અન્ય વહીવટી ખર્ચ ઉઠાવે છે. નવા બિલની જોગવાઈ મુજબ કુલ ખર્ચના 40% ખર્ચ રાજ્યોને ઉઠાવવાનો રહેશે, જેમાંથી પૂર્વોત્તર, હિમાલયના રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોને છૂટ આપવામાં આવી છે.

રાજ્યોની નિર્ણય શક્તિ ઘટશે:

એક તરફ રાજ્ય પર આર્થિક બોજ વધશે તો બીજી તરફ રાજ્યોની નિર્ણય શક્તિ પણ ઓછી થશે. નવા બિલની જોગાવાઈ મુજબ યોજના ક્યાં અને કેવી રીતે લાગુ કરવામાં આવશે તેના પર કેન્દ્રનું વધુ નિયંત્રણ હશે.

મનરેગાનું માળખું માંગ-આધારિત છે, તેમાં જરૂરિયાતના પ્રમાણે બજેટમાં વધારો કરવાની સુવિધા છે, જ્યારે નવા બિલમાં ભંડોળની ફાળવણી પહેલાથી નક્કી કરે છે. નવા બિલ મુજબ દરેક રાજ્ય માટે બજેટ નક્કી કરશે અને તેને ક્યાં વાપરવું એ પણ નક્કી કરશે. જ્યાં યોજના લાગુ કરવાની હોય એવા રાજ્યના ગ્રામીણ વિસ્તારોને સૂચિની સત્તા પણ કેન્દ્રના હાથમાં હશે.

નવા બિલમાં કૃષિ સિઝન દરમિયાન આ રોજગાર યોજનાને સ્થગિત કરવાની જોગવાઈ પણ છે. મોબાઇલ એપ્લિકેશન-આધારિત હાજરી, આધાર-આધારિત પેમેન્ટ સિસ્ટમ અને કાર્યસ્થળોનું જીઓટેગિંગનો પણ નવા બિલમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો…મોદી સરકાર ‘મનરેગા’નું નામ બદલશે! આ નવા નામથી ઓળખાશે યોજના

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button