રેશનની દુકાનો પર વડા પ્રધાનનો ફોટો ન દર્શાવવા બદલ કેન્દ્રએ પશ્ચિમ બંગાળનું ₹7,000 કરોડનું ફંડ રોક્યું
કોલકાતા: પશ્ચિમ બંગાળની તૃણમુલ કોંગ્રેસ સરકારે હજુ સુધી રાજ્યભરની તમામ રેશનની દુકાનો પર નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (NFSA)નો લોગો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળા સાઈનબોર્ડ અને ફ્લેક્સ લગાવ્યા નથી. સુત્રોના જણાવ્યા મુજબ આ કારણસર કેન્દ્ર સરકારે કેન્દ્રની યોજનાઓ માટે ડાંગર ખરીદવા રાજ્ય સરકારને આપવાના રૂ. 7,000 કરોડને રોકી દીધા છે.
એક અહેવાલ મુજબ રાજ્ય સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર દ્વારા રકમની ભરપાઈ કરવાનો ઇનકાર ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્યના ડાંગરના સંગ્રહ પર ગંભીર અસર કરી શકે છે.
NFSA યોજનાઓ હેઠળ કેન્દ્ર સરકાર માટે આ નાણાકીય વર્ષમાં રાજ્ય સરકારે પહેલેથી જ 8.52 લાખ ટનની ડાંગરની ખરીદી કરી છે. રાજ્ય સરકારે આ વર્ષે તેના 70 લાખ ટનના વાર્ષિક લક્ષ્યાંક સામે 22 લાખ ટન ડાંગરની ખરીદી કરી છે. પરંતુ રાજ્ય સરકારે કેન્દ્ર વતી ખરીદેલા ડાંગરની ભરપાઈ કરવાની બાકી છે.
રાજ્ય સરકારના અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્રના વળતરને અટકાવવાથી ચાલુ ખરીફ સિઝનમાં ડાંગરની ખરીદી પર તાત્કાલિક અસર થશે. ખરીફ સિઝન માટેની ખરીદી ફેબ્રુઆરીના અંત સુધી ચાલુ રહે છે. જો આ સમયગાળા દરમિયાન રાજ્યને પૂરતું ભંડોળ નહીં મળે, તો સમગ્ર પ્રક્રિયાને ફટકો પડશે.
કેન્દ્રએ અગાઉ પણ અનેક પ્રસંગોએ રાજ્ય સરકારને તમામ રાશનની દુકાનો પર વડા પ્રધાન મોદીના ફોટા અને NFSA લોગો સાથે સાઈનબોર્ડ અને ફ્લેક્સ લગાવવા જણાવ્યું હતું. આમ ન કરવા પર કેન્દ્ર એ રાજ્યને વિવિધ યોજના માટે મળતું ભંડોળ રોક્યું હતું.