
નવી દિલ્હી : પીએનબી કૌભાંડના આરોપી અને ભાગેડુ મેહુલ ચોક્સીની બેલ્જિયમમા ધરપકડ કરવામા આવી છે. જેની બાદ ભારતીય એજન્સીઓ સક્રિય બની છે. મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે સીબીઆઇ અને ઇડી બેલ્જિયમ જવા માટે તૈયાર છે. મીડિયા રિપોર્ટ અનુસાર સીબીઆઇ અને ઇડીએ બેલ્જિયમ જતા અધિકારીઓની યાદી તૈયાર કરી છે. આ અધિકારીઓ ટૂંક સમયમાં જઈ શકે છે. મળતી માહિતી મુજબ મેહુલ ચોક્સી સ્વિટ્ઝર્લૅન્ડ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
છ અધિકારીઓને બેલ્જિયમ મોકલવામાં આવશે
આ ઉપરાંત પ્રત્યાર્પણની વિનંતી બાદ 12 એપ્રિલે ચોક્સીની ધરપકડ કરવામાં આવી હતી. માહિતી અનુસાર સીબીઆઇ અને અને ઇડીના ત્રણ-ત્રણ અધિકારીઓને બેલ્જિયમ મોકલવામાં આવશે. તેમની પસંદગી પછી પેપર્સ તૈયાર કરવામાં આવશે. એવી શક્યતા છે કે ચોક્સી પોતાના પ્રત્યાર્પણને રોકવા માટે ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક પણ કરશે.
ભારત છોડ્યા પછી એન્ટિગુઆમાં રહેતો હતો
સોમવારે જ ચોકસીના વકીલે કહ્યું હતું કે તેઓ બેલ્જિયમમાં તેમની ધરપકડ સામે અરજી દાખલ કરવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ચોક્સી બ્લડ કેન્સરની સારવાર લઈ રહ્યા હતા. ત્યારે તેમને તબીબી આધાર પર જામીન મળવા જોઈએ. તેમણે વધુમાં કહ્યું, અમે એવી પણ દલીલ કરીશું કે હીરાના વેપારીના ભાગી જવાનું કોઈ જોખમ નથી.તેમણે કહ્યું કે કેસની સુનાવણી પાંચ દિવસ પછી જ થઈ શકે છે. ત્યારબાદ તેઓ જામીન માટે અપીલ દાખલ કરશે. ચોક્સી 2018 માં ભારત છોડ્યા પછી એન્ટિગુઆમાં રહેતો હતો અને તેણે ભારતીય નાગરિકતા જાળવી રાખીને કેરેબિયન દેશની નાગરિકતા લીધી હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: ચોકસી જેવા ભાગેડુઓને દેશમાં જરૂર લાવવામાં આવશે: કેન્દ્રીય પ્રધાન
ભારત અને બેલ્જિયમ વચ્ચે પ્રત્યાર્પણ સંધિ
સૂત્રોએ જણાવ્યું હતું કે થોડા સમય પહેલા તેમની સામેની ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસ પાછી ખેંચી લેવામાં આવી હતી અને ત્યારથી ભારતીય એજન્સીઓ તેમને પ્રત્યાર્પણ દ્વારા ભારત લાવવાનો પ્રયાસ કરી રહી છે. ભારત અને બેલ્જિયમ વચ્ચે લાંબા સમયથી પ્રત્યાર્પણ સંધિ છે.