બિહાર ચૂંટણી પહેલા યાદવ પરિવારને ઝટકો; કોર્ટે આ કેસમાં લાલુ, રાબડી અને તેજસ્વી વિરુદ્ધ આરોપો ઘડ્યા

નવી દિલ્હી: કથિત IRCTC કૌભાંડ મામલે રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના વડા અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવ, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવી અને બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવની મુશ્કેલી વધવા જઈ રહી છે. આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ત્રણેય વિરુદ્ધ આરોપો ફ્રેમ કર્યા હતાં.
સ્પેશીયલ CBI કોર્ટે આજે સોમવારે લાલુ યાદવ વિરુદ્ધ ભ્રષ્ટાચાર, ગુનાહિત કાવતરું અને છેતરપિંડીના આરોપો ઘડ્યા છે. તેજસ્વી યાદવ અને રાબડી દેવી પર પણ ગુનાહિત કાવતરું અને છેતરપિંડી સહિતના કેટલાક આરોપો ઘડવામાં આવ્યા છે. આવતા મહીને બિહાર વિધાનસભા ચૂંટણી યોજવાની છે, એ પહેલા યાદવ પરિવાર અને RJDને મોટો ઝટકો લાગ્યો છે.
લઉં પરિવાર કોર્ટમાં હાજર:
યાદવ પરિવાર દિલ્હીમાં કોર્ટ સમક્ષ હાજર થયું હતું, લાલુ પ્રસાદ વ્હીલ ચેર પર કોર્ટમાં પહોંચ્યા હતાં. લાલુ પ્રસાદે સ્પેશિયલ કોર્ટના જજ વિશાલ ગોગનેના પ્રશ્નોના જવાબ આપ્યા હતાં, લાલુ યાદવે પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. રાબડી દેવી અને તેજસ્વી યાદવે પણ દોષિત ન હોવાનું કહ્યું હતું.ત્યાર બાદ ન્યાયધીશે જણાવ્યુ કે કેસ સુનાવણી માટે જશે.
શું છે મામલો:
વર્ષ 2004થી 2014 દરમિયાન IRCTCની માલિકીની હોટલના મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ એક ખાનગી કંપનીને આપવામાં આવ્યા હતાં. આરોપો મુજબ IRCTCની બે હોટલ BNR રાંચી અને BNR પુરીનો મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ સુજાતા હોટલને આપવામાં આવ્યો હતો. CBIએ આરોપ લગાવ્યો છે કે આ કોન્ટ્રાક્ટના બદલામાં બેનામી કંપની દ્વારા લાલુ યાદવે ત્રણ એકર જમીન આપવામાં આવી હતી.
CBIએ 2017 માં લાલુ યાદવ અને તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી.
આપણ વાંચો: યુપીમાં બની ગજબ ઘટનાઃ કરવાચોથની લાખોની ગિફટ્સ લઈ એક ડઝન દુલ્હન ભાગી ગઈ