સીબીઆઈ અને ઇડી પણ શાજહાનની ધરપકડ કરી શકશે: કોલકાતા હાઈ કોર્ટ

કોલકાતા: કોલકાતા હાઈ કોર્ટે બુધવારે આદેશ આપ્યો હતો કે સંદેશખાલી ખાતે મહિલાઓ પર જાતીય અત્યાચાર અને જમીન હડપ કરવાના મુખ્ય આરોપી તૃણમૂલ કોંગ્રેસના નેતા શાજહાન શેખની સીબીઆઈ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અથવા પશ્ચિમ બંગાળ પોલીસ ધરપકડ કરી શકે છે.
રાજ્યના એડવોકેટ જનરલની અરજી પર કોર્ટે ૨૬ ફેબ્રુઆરીના તેના આદેશની સ્પષ્ટતા કરી હતી જેમાં તેણે પોલીસ દ્વારા શેખની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.
ચીફ જસ્ટિસ ટી.એસ. શિવગનમની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેંચે સ્પષ્ટતા કરી હતી કે કોર્ટે ૭ ફેબ્રુઆરીના તેના આદેશમાં ઇડીના અધિકારીઓ પર હુમલાની તપાસ માટે સિંગલ બેન્ચ દ્વારા સીબીઆઈ અને પશ્ચિમ બંગાળ પોલીસની સંયુક્ત વિશેષ તપાસ ટીમ (સીટ)ની રચના પર જ સ્ટે આપ્યો હતો.
ડિવિઝન બેન્ચે નિર્દેશ આપ્યો હતો કે ફરાર શેખની ધરપકડ સીબીઆઈ અથવા ઇડી પણ કરી શકશે અને નોંધ્યું હતું કે તે નોંધપાત્ર સમયગાળાથી ફરાર છે.
ઇડીના અધિકારીઓ પર ૫ જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના સંદેશખાલી ખાતે લગભગ ૧૦૦૦ સભ્યોના મજબૂત ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે તેઓ રાજ્યમાં કથિત રાશન વિતરણ કૌભાંડની તપાસના સંદર્ભમાં શેખના પરિસરમાં તપાસ કરવા ગયા હતા.