Kolkata રેપ અને મર્ડર કેસને ઉકેલવા સીબીઆઇ સક્રિય, 10માં દિવસે પણ સંદીપ ઘોષની પૂછતાછ
નવી દિલ્હીઃ કોલકાતામાં(Kolkata)ટ્રેઇની મહિલા ડૉક્ટર રેપ અને મર્ડર કેસને લઈને દેશમાં વિરોધ ચરમસીમા પર છે. આ કેસની તપાસ હાલ સીબીઆઈ કરી રહી છે. આ ટ્રેઇની મહિલા ડોક્ટર બળાત્કાર હત્યા કેસનો ભેદ ઉકેલવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર, આરજી કાર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની પૂછપરછ દસમા દિવસે પણ ચાલુ છે. સંદીપ ઘોષ સવારે સીબીઆઈ ઓફિસ પહોંચ્યા. સંદીપ ઘોષની 9 દિવસમાં અત્યાર સુધીમાં 100 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી છે.
આરજી કાર હોસ્પિટલમાં ભ્રષ્ટાચાર પર દરોડા
આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં કથિત નાણાકીય ગેરરીતિઓની તપાસના સંદર્ભમાં સીબીઆઇના અધિકારીઓએ રવિવારે પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ, ભૂતપૂર્વ તબીબી અધિક્ષક સંજય વશિષ્ઠ અને કોલકાતા અને તેની આસપાસના 13 અન્ય લોકોના ઘરે દરોડા પાડ્યા હતા.
કોલકાતા હાઈકોર્ટના આદેશ પર FIR નોંધવામાં આવી
કોલકાતા હાઈકોર્ટના આદેશ બાદ નોંધાયેલી એફઆઈઆરમાં સીબીઆઈએ સંદીપ ઘોષ અને કોલકાતા સ્થિત ત્રણ ખાનગી સંસ્થાઓ સામે કેસ નોંધ્યો છે. એજન્સીએ ભારતીય દંડ સંહિતાની કલમ 120B,(ગુનાહિત કાવતરું) 420 (છેતરપિંડી) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ સંદીપ ઘોષ અને ખાનગી સંસ્થાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા સાત સીબીઆઈ અધિકારીઓએ સવારે 8 વાગ્યે સંદીપ ઘોષની બેલિયાઘાટા નિવાસસ્થાને પૂછપરછ કરી હતી. જ્યારે અન્યોએ ભૂતપૂર્વ તબીબી અધિક્ષક અને હોસ્પિટલના વાઇસ પ્રિન્સિપાલ સંજય વશિષ્ઠ અને મેડિકલ એસ્ટાબ્લિશમેન્ટના ફોરેન્સિક દવા વિભાગના અન્ય પ્રિન્સિપાલની પૂછપરછ કરી હતી.
સીબીઆઈ અધિકારીઓની અન્ય ટીમે હોસ્પિટલમાં પૂર્વ પ્રિન્સિપાલની ઓફિસ પર પણ દરોડા પાડ્યા હતા અને એકેડેમિક બિલ્ડિંગની કેન્ટીનમાં પણ ગયા હતા. તેમણે હાલના પ્રિન્સિપાલ માનસ કુમાર બંદોપાધ્યાયને સવારે હોસ્પિટલ પહોંચવા અને તબીબી સંસ્થામાં દરોડા દરમિયાન તેમની સાથે રહેવા જણાવ્યું હતું.
સમગ્ર મામલો શું છે ?
ઉલ્લેખનીય છે કે, 9 ઓગસ્ટના રોજ હોસ્પિટલના સેમિનાર હોલમાં ટ્રેઇની મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ કોલકાતા પોલીસે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આ જઘન્ય અપરાધના પરિણામે દેશભરના તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોલકાતા હાઈકોર્ટના આદેશ પર સીબીઆઈએ હત્યા ઉપરાંત કથિત નાણાકીય અનિયમિતતાના કેસ પણ નોંધ્યા છે.
Also Read –