કોલકાતા: કોલકાતાની(Kolkata)આરજી કાર હોસ્પિટલમાં ટ્રેઈની ડૉક્ટર રેપ અને મર્ડર કેસમાં સીબીઆઈની તપાસ ચાલી રહી છે.ત્યારે હોસ્પિટલમાં નાણાકીય અનિયમિતતાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જેના પગલે સીબીઆઈની ટીમે આજે કોલકાતામાં 15 સ્થળોએ દરોડા પાડયા છે. સીબીઆઇની ટીમ આરજી કાર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના ઘરે પહોંચી છે. ડૉક્ટર રેપ અને મર્ડર કેસમાં સીબીઆઈએ સંદીપ ઘોષની પણ પૂછપરછ કરી છે.
ફોરેન્સિક ડોક્ટર દેવાશીષના ઘરે પણ દરોડા પાડ્યા હતા
સીબીઆઇની ટીમ સંદીપ ઘોષના ઘર ઉપરાંત આરજી કાર હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના ડૉ. દેવાશીષ સોમના ઘરે પણ પહોંચી છે. દેબાશિષ સોમ સંદીપ ઘોષની ખૂબ નજીક છે. દેબાશિષનું ઘર કોલકાતાના કેશ્તોપુરમાં છે. આરજી કાર હોસ્પિટલમાં ભ્રષ્ટાચારના કેસની તપાસ માટે સીબીઆઈની ટીમ પહોંચી છે. શનિવારે જ સીબીઆઇએ આ કેસમાં સંદીપ ઘોષ વિરુદ્ધ નવી ફરિયાદ પણ નોંધી છે.
કુલ 15 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા
સીબીઆઇ સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સીની ટીમ કોલકાતામાં આરોપી સંદીપ ઘોષ, હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના ડૉ. દેવાશીષ અને ઘણા જોડાયેલા લોકોના સ્થાનો પર દરોડા પાડી રહી છે. દરોડામાં હોસ્પિટલ સાથે સંકળાયેલી કંપનીઓ પણ સામેલ છે. કુલ મળીને સીબીઆઇની એન્ટી કરપ્શન ટીમ 15 સ્થળોએ દરોડા પાડી રહી છે.
સીબીઆઈની ટીમ વહેલી સવારે સંદીપ ઘોષના નિવાસે પહોંચી
આ અંગે મળતી માહિતી મુજબ સીબીઆઈની ટીમ સવારે 6.45 વાગ્યે આરજી કાર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના નિવાસે પહોંચી હતી.સીબીઆઈની ટીમ લાંબા સમય સુધી સંદીપ ઘોષના દરવાજે ઉભી રહી. સંદીપ ઘોષે સવારે 8 વાગ્યે દરવાજો ખોલ્યો. સીબીઆઈ આરજી કાર હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના ડૉક્ટર દેવાશીષ સોમના બેલાઘાટા ઘર પર પણ દરોડા પાડી રહી છે. જ્યારે હાવડા જિલ્લાના હટગાચામાં, સીબીઆઈએ પૂર્વ સુપરિન્ટેન્ડેન્ટ સંજય વશિષ્ઠ અને મેડિકલ સપ્લાયર બિપ્લબ સિંહના ઘરે દરોડા પાડ્યા.