કેશ ફોર ક્વેરી વિવાદ: એથિક્સ કમિટીની તપાસ પૂર્ણ, શું મહુઆ મોઇત્રા સામે થશે કાર્યવાહી?
નવી દિલ્હી: ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા સામે ‘કેશ ફોર ક્વેરી’ના લગાવેલા આરોપોને પગલે લોકસભાની એથિક્સ કમિટીને તપાસ સોંપાઇ હતી. આ તપાસ સમિતિએ ડ્રાફ્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે અને તેના પર વિચારણા કરવા માટે તથા એડોપ્શન માટે 7 નવેમ્બરે એક બેઠક યોજાશે. 15 સભ્યોની બનેલી આ કમિટી મહુઆ મોઇત્રા સામે ગંભીર પગલા લઇ શકે છે.
ગત 2 નવેમ્બરે મહુઆ મોઇત્રા એથિક્સ કમિટી સમક્ષ હાજર થયા હતા તે સમયે તેમણે તપાસ સમિતિના અધ્યક્ષ વિનોદકુમાર સોનકર પર ગંભીર આરોપો લગાવ્યા હતા, મહુઆએ જણાવ્યું હતું કે તેમને છબી ખરડાય તેવા બિનજરૂરી અંગત સવાલો પૂછવામાં આવ્યા અને અપમાનિત કરવામાં આવ્યા છે. કમિટી અધ્યક્ષે તમામ આરોપોને ફગાવ્યા હતા અને જણાવ્યું હતું કે મહુઆ સવાલોના જવાબ ન આપવા પડે એ માટે કહી રહી છે. તેમણે જવાબો આપવાને બદલે હોબાળો મચાવ્યો, ક્રોધિત થઇ, અસંસદીય ભાષાનો પ્રયોગ કર્યો અને ગુસ્સામાં ત્યાંથી ચાલી ગઇ.
તેમને પેનલમાં સામેલ વિપક્ષોનું પણ સમર્થન મળ્યું હતું. હવે ડ્રાફ્ટ રિપોર્ટને અપનાવવા માટેની બેઠકનો અર્થ એ છે કે સમિતિએ તેની તપાસ પૂર્ણ કરી લીધી છે અને હવે તે તેની ભલામણો કરશે કારણ કે તેની છેલ્લી મીટિંગમાં તેના સભ્યો અલગ અલગ પક્ષોમાં વહેચાયેલા હતા.
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ મોઇત્રા પર ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીના કહેવા પર અદાણી જૂથને નિશાન બનાવવા માટે લોકસભામાં પ્રશ્નો પૂછ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. પ્રશ્નો પૂછવા માટે મહુઆ મોઇત્રાએ ચોક્કસ રકમની લાંચ લીધી હતી તેમજ હિરાનંદાનીએ મહુઆના લોગિન આઈડીનો ઉપયોગ વિવિધ સ્થળોએથી ખાસ કરીને દુબઈથી પ્રશ્નો સબમિટ કરવા માટે કર્યો હતો તેવો મહુઆ મોઇત્રા પર આરોપ છે.
દર્શન હિરાનંદાનીએ એવો પણ આરોપ મુક્યો હતો કે મહુઆ મોઇત્રાએ મોંઘી ભેટના રૂપમાં લાંચ લીધી હતી અને આ અંગે એથિક્સ કમિટીને એફિડેવિટ પણ સુપરત કરી હતી.
આ કેસની સુનાવણી માટે મળેલી બેઠકમાં મહુઆ મોઇત્રાએ વિનોદ કુમાર સોનકર સામે તેમની સાથે અભદ્ર વર્તન અને અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. સાંસદ દુબેએ જણાવ્યું હતું કે મહુઆ મોઇત્રા પછાત વર્ગની હોવાને કારણે અધ્યક્ષ પ્રત્યે અપમાનજનક વર્તન કર્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે ટીએમસી સાંસદો મીટિંગને લઈને મીડિયામાં ખોટી સ્ટોરી બનાવી રહ્યા છે.
બેઠકમાં મહુઆ મોઇત્રાએ સ્વીકાર્યું હતું કે હિરાનંદાનીએ તેમની લોગિનની વિગતોનો ઉપયોગ કર્યો હતો, પરંતુ વ્યવહારોના આરોપને નકારી કાઢ્યો હતો. તેમણે કહ્યું હતું કે મોટાભાગના સાંસદો તેમની લોગિન વિગતો અન્ય લોકો સાથે શેર કરે છે. જો કે, છેલ્લી સુનાવણી પછી તેણે આરોપ લગાવ્યો હતો કે તેને અપમાનજનક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. લોકસભા સ્પીકર ઓમ બિરલાને લખેલા પત્રમાં મહુઆ મોઇત્રાએ લખ્યું છે કે સમિતિના અધ્યક્ષે તેમને તેમના અંગત જીવન વિશે અપ્રસ્તુત માહિતી પૂછી હતી અને તેને ‘શાબ્દિક વસ્ત્રાહરણ’નો સામનો કરવો પડ્યો હતો.