GST ઘટાડાને કારણે પહેલી નવરાત્રિથી કારના ભાવમાં 11 લાખનો ઘટાડો, કઈ કારના ભાવ કેટલા ઘટશે? | મુંબઈ સમાચાર
નેશનલ

GST ઘટાડાને કારણે પહેલી નવરાત્રિથી કારના ભાવમાં 11 લાખનો ઘટાડો, કઈ કારના ભાવ કેટલા ઘટશે?

મુંબઈ; ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST) કાઉન્સિલે તાજેતરમાં નવા ટેક્સ સ્લેબની જાહેરાત કરી હતી, નવી જાહેરાત મુજબ પેટ્રોલ, ડીઝલ, LPG, CNG અને 4,000 મીમીથી ઓછી લંબાઈ ધરાવતી હાઇબ્રિડ કાર પર GST દર 28% થી ઘટાડીને 18% કર્યો છે. આ ઘટાડાને કારણે કાર ખરીદવા ઈચ્છતા માધ્યમ વર્ગ લોકોને ફાયદો થશે, તહેવારોની સિઝન પહેલા ભારતના અગ્રણી ઓટો મેન્યુફેક્ચરરે તેમની કારની કિંમતમાં ઘટાડો કર્યો છે.

અહેવાલ મુજબ ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, રેનો ઇન્ડિયા અને મારુતિ સુઝુકી સહિતના મેન્યુફેક્ચરરે કારની કિંમતમાં ઘટાડાની જાહેરાત કરી છે. એક અહેવાલ મુજબ GST દરમાં ઘટાડાને કારણે મોટાભાગની કારના ઓન-રોડ પ્રાઈઝમાં 5-8% ઘટાડો થશે.

નવા GST સ્લેબ 22 સપ્ટેમ્બરથી એટલે કે નવરાત્રીના પહેલા દિવસથી લાગુ થવાનાં છે, આથી કારના નવા ભાવમાં ઘટાડો પણ આ દિવસથી જ લાગુ થશે. દશેરા અને દિવાળીના તહેવારમાં કારનું વેચાણ વધવાની અપેક્ષા છે, જેને કારણે ઓટો સેક્ટરને બુસ્ટ મળી શકે છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની આ ગાડીઓ થશે સસ્તી:

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેની પેટ્રોલ અને ડિઝલ કારની કિંમતમાં ₹1.56 લાખ સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. XUV 3XO, Scorpio N અને XUV700 જેવી SUV કારની કિંમતમાં ₹1.01 લાખથી ₹1.56 લાખ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે THAR ની કિંમતમાં ₹1.01 લાખનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

ટાટા મોટર્સે પણ ગ્રાહકોને આપી રાહત:

ટાટા મોટર્સે તેની કારના ભાવમાં ₹75,000 થી માંડીને ₹1.45 લાખ સુધીનો ઘટાડો જાહેર કર્યો છે. કંપનીની Tigao જેવી નાની કારનો ભાવ હવે ₹4,99,990 થી શરૂ થશે. Nexonના ભાવમમાં ₹1.55 લાખનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે, આ કારનો ભાવ હવે ₹7,99,990થી શરુ થશે. જ્યારે Safari કારનો ભાવ ₹1.45 લાખ ઘટાડીને ₹15,49,990 થઈ ગયો છે.

હ્યુન્ડાઈ કાર બની વધુ બજેટ ફ્રેન્ડલી:

હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ તેની ગાડીઓના ભાવમાં ₹2.4 લાખ સુધીનો ઘટાડો જાહેર કર્યો છે. કંપનીએ તેની Verna, i20, Alcazar, Creta, Venue અને Tuscan જેવી કારના ભાવમાં મોટો ઘટાડો જાહેર કર્યો છે. કંપનીએ Vernaના ભાવમાં ₹60,640 અને Tuscanના ભાવમાં ₹2,40,303ની ઘટાડો કર્યો છે.

રેનો ઇન્ડિયાએ લોકપ્રિય મોડેલોના ભાવ ઘટાડ્યા:

અન્ય કંપનીઓની જેમ રેનો ઇન્ડિયાએ પણ તેની કારના ભાવ ઘટાડ્યા છે. રેનોના Kwid, Kiger અને Triber મોડેલમાં ₹96,395 સુધીનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે.

મારુતિ સુઝુકીની કાર સસ્તી થશે:

માધ્યમ વર્ગ માટે કાર બનાવવા માટે જાણીતી મારુતિ સુઝુકીએ તેની કારને વધુ બજેટ ફ્રેન્ડલી બનાવી છે. અલ્ટો ₹40,000 – ₹50,000 અને વેગન આર ₹60,000 – ₹67,000 સસ્તી થઈ શકે છે. આ બંને મોડેલ 1200cc થી ઓછી સિરીઝમાં આવે છે.

કેટલીક કાર મોંઘી થશે:

નાની કાર પર ટેક્સ ઘટાડવામાં આવ્યો છે તો મોટી અને પ્રીમિયમ કાર પર ટેક્સ વધારીને 40% કરવામાં આવ્યો છે. જ્યારે ઇલેક્ટ્રિક કારને પ્રોત્સાહન આપવા ટેક્સ 5% દર યથાવત રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો…40% GST છતા લક્ઝરી કાર સસ્તી! આ રહ્યું કારણ, ₹1 લાખ સુધીની બચત થશે

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button